કડી શહેર તેમજ તાલુકાની અંદર નાના મોટી બોલાચાલી તેમજ અંગત અદાવતો રાખીને હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી શહેરની હોસ્પિટલની અંદર નોકરી કરતા યુવકને ફોન કરીને નીચે બોલાવીને હુમલો કરાતા કડી પોલીસ સ્ટેશનમાં ચાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.
કડી શહેરના શેફાલી સર્કલ પાસે આવેલ આશુતોષ ઓર્થોપેડિકમાં નોકરી કરતા અને કડી રોહિતવાસમાં રહેતા અલ્પેશકુમાર મકવાણા જેઓ હૉસ્પિટલમાં નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ રાત્રિ દરમિયાન આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નોકરી પર હાજર હતા. તે સમયે એક ઇસમનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે હું હૉસ્પિટલના નીચે ઊભો છું તું નીચે આવ જે દરમિયાન અલ્પેશ હોસ્પીટલને નીચે આવતાંની સાથે જ રીક્ષા લઇને આવેલા સરફરાઝ સહિતના અન્ય ઇસમોએ તલવાર વડે અલ્પેશ પર હુમલો કરાતા અલ્પેશને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ પહોંચતા ઇસમે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મારમાંથી બચાવ્યો હતો. જ્યાં હુમલાખોરો રિક્ષા લઇને સ્થળ ઉપરથી ભાગી છૂટ્યાં હતા. ઇજાગ્રસ્ત ઇસમને કૂંડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ કડી પોલીસને થતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને અલ્પેશ મકવાણાની ફરિયાદ લઈને ચાર ઈસમો પર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.