વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ::

· લોકોની સુવિધા સાથે જોડાયેલા પ્રકલ્પો રાજકોટને અનેકગણું શક્તિશાળી બનાવશે

· ટેકનોલોજી-ગુડ ગવર્નન્સ – કમિટમેન્ટના સમન્વય થકી જ વિકાસ મૂર્તિમંત થઈ શકશે

· રાજયના નાગરિકોને કાયદો-વ્યવસ્થા-સુખ-શાંતિ-સહજ બન્યા છે

· ડિજીટલ ઈન્ડિયા આપણી સૌથી મોટી તાકાત છે

· સમાજને શક્તિશાળી બનાવવાના નિરંતર પ્રયાસો માટે વર્તમાન સરકાર સંકલ્પબદ્ધ છે

---મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ---

વડાપ્રધાનશ્રીએ આજે આરંભેલા વિકાસ કાર્યો થકી રાજ્ય માટે નવા યુગના મંડાણ થશે

 સૌથી વધુ શહેરીકરણ ધરાવતું ગુજરાત દેશનું અવ્વલ નંબરનું રાજ્ય છે

રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પર ઓવારી ગયેલા શહેરીજનો: અંતરના આનંદથી આપેલો અદકેરો આવકાર

વડાપ્રધાનશ્રીના હસ્તે ચાર પુસ્તકોનું ડિજિટલ વિમોચન, આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના વિજેતા રાજ્યોને સન્માનિત કરવાનો કાર્યક્રમ સંપન્ન

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટવાસીઓને દિવાળીની રૂ. ૬૯૯૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી.

        આ વિકાસ કામોના શુભારંભ પ્રસંગે વડાપ્રધાનશ્રી મોદીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, લોકોની સુવિધા સાથે જોડાયેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાજકોટને અનેકગણું શક્તિશાળી બનાવશે. દિવાળી સમયે પણ આટલી વિશાળ ઉપસ્થિતિ બદલ વડાપ્રધાનશ્રીએ રાજકોટવાસીઓને શત્ શત્ પ્રણામ કર્યા હતા.

વડાપ્રધાનશ્રીએ ટેકનોલોજી-ગુડ ગવર્નન્સ- કમિટમેન્ટના સમન્વય થકી જ વિકાસ મૂર્તિમંત થવાનો આશાવાદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલા વિવિધ પ્રકલ્પો નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે.

        વડાપ્રધાનશ્રીએ સાંપ્રત પરિસ્થિતિનું તુલનત્મક વિવરણ કરતાં ઉમેર્યું હતું કે, પ્રવર્તમાન સરકારના સમયમાં નાગરિકોને કાયદો-વ્યવસ્થા-સુખ-શાંતિ-સહજ બન્યા છે તે સરકારની સક્ષમ કાર્યશૈલીની પારાશીશી છે. આ જ રાહ પર આગળ વધવા તેમણે સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

        વડાપ્રધાનશ્રી મોદીએ કોરોના કાળમાં પણ દેશે જાળવેલી પ્રગતિનું બયાન કરતા કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી તાકાત છે. આ બાબતના સમર્થનમાં વડાપ્રધાનશ્રીએ દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની ટૂંકી વિગતો રજૂ કરી હતી તથા તેનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ સહર્ષ જણાવ્યું હતું કે, સમાજને શક્તિશાળી બનાવવાના નિરંતર પ્રયાસો માટે વર્તમાન સરકાર સંકલ્પબદ્ધ છે. દેશના છ શહેરોમાં આધુનિક સુવિધાસભર વિકાસનું વાતાવરણ નિર્માણ કરવાના કેન્દ્ર સરકારના આયોજનમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે, જે બદલ તેમણે શહેરીજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જોયેલા સપનાને સિદ્ધ કરવા લીધેલા પગલાંઓની ઝાંખી રજૂ કરી હતી.

રાજકોટ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા શ્રી મોદીએ રાજકોટને પોતાની પાઠશાળા ગણાવતા જણાવ્યું હતું કે, રાજકોટની ધરતીની તાકાત હંમેશા તેમના માટે પ્રેરણારૂપ રહી છે. આ તકે તેમણે ભૂતપૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાનો ઋણ સ્વીકાર કર્યો હતો.

        ગુજરાતની સુરક્ષાની ચર્ચા વૈશ્વિક કક્ષાએ થઈ રહી હોવાની બાબતનો સગર્વ ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રી મોદીએ સુરક્ષિત વાતાવરણનું સમગ્ર રાજયમાં સર્જન કરવાની રાજય સરકારની નેમ વ્યકત કરી હતી. મધ્યમ વર્ગના માનવીની તાકાત સમગ્ર સમાજની ધરોહર છે, એવો આશાવાદ પણ તેમણે આ તકે રજૂ કર્યો હતો અને માથું ટેકવવા માટે મળેલા ઘરના ઘરથી સ્વમાનપૂર્ણ જીવનનો અનુભવ કરાવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

        એન્જિનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર એવા રાજકોટ અને સમગ્ર વિશ્વના સિરામિક ઉદ્યોગનો ૧૩ ટકા હિસ્સો ધરાવતા મોરબી જિલ્લાની તેમણે સરાહના કરી હતી તથા આંતર માળખાકીય સુવિધાઓની પુર્તિ માટે સરકારના તમામ સહકારની ખાતરી ઉચ્ચારી હતી.

        રાજકોટના ઓટોપાર્ટ્સની માગ વિશ્વભરમાં છે, ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ ખાતે એવિએશન ઉદ્યોગના પાર્ટસ પણ નિર્માણ થાય તેવી શુભકામના રાજકોટના ઉદ્યોગ જગતના દિગ્ગજોને આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જનહિતાર્થે વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ આજે આરંભેલા વિકાસ કાર્યો થકી રાજ્ય માટે નવા યુગના મંડાણ થશે. નગર એટલે નળ, ગટર, રસ્તા જેવી સુવિધાઓની સીમિત વ્યાખ્યા બદલી ડબલ એન્જિનની ગુજરાત સરકારે પાયાની સુવિધાઓ સાથે વિશ્વકક્ષાની અર્બન એમેનીટીઝ ગુજરાતના શહેરોમાં ઉપલબ્ધ કરાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરીકરણને વિકાસનો અવસર બનાવવાની નેમના પરિણામે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સતત બે દાયકાઓનો વિકાસ પામી આધુનિક સુવિધાઓ ધરાવતા વર્લ્ડ ક્લાસ શહેરો બન્યા છે. વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે રિવરફ્રન્ટ, મેટ્રો, બીઆરટીએસ, ફલાયઓવર્સ જેવા વિકાસ પ્રકલ્પોએ આકાર લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધુ શહેરીકરણ ધરાવતું ગુજરાત દેશનું અવ્વલ નંબરનું રાજ્ય છે. ગુજરાતના શહેરોએ સુનિયોજિત નગર વિકાસ ક્ષેત્રે દેશના અન્ય શહેરો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા આયોજનના પરિણામે ગુજરાતમાં શહેરી વિકાસ સર્વગ્રાહી, સર્વસમાવેશી, સર્વસ્પર્શી થયો છે. 

હાઉસિંગ ક્ષેત્રે પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કેસ વડાપ્રધાનશ્રીએ પીએમ આવાસ યોજના, લાઈટ હાઉસ પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટથી શહેરોમાં વસતા ગરીબ મધ્યમ વર્ગના લોકોને એફોર્ડેબલ હાઉસિંગ ઉપલબ્ધ કરવાની ઝુંબેશ ઉપાડી છે અને ગુજરાત આ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. 

તેમણે કહ્યું હતું કે, શહેરીકરણ સાથે ઔદ્યોગિકીકરણ પર પણ પૂરતું ધ્યાન આપીને વીજળી, પાણી, જમીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસની નવી તકો ઊભી કરી છે. મોરબી, રાજકોટ, કચ્છ જામનગર, બોટાદ ખાતે નવી જીઆઇડીસીનો પ્રારંભ કરાવી વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસના નવા પ્રકરણનો પ્રારંભ કરાવ્યો છે. જે યુવાનોને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યવસાયો માટે અનુકૂળ નીતિઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સતત વધારાને કારણે ગુજરાત ઉદ્યોગો અને વેપાર માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. ૧૮ હજારથી વધુ દૂધ મંડળી ધરાવતું ગુજરાત દૂધ ઉત્પાદનમાં પણ અગ્રેસર છે ત્યારે અહીં અમૂલ ફેડ ડેરી પ્રોજેક્ટ સ્થાનિક પશુપાલકોને આર્થિક રીતે વધુ સશક્ત કરશે તેમ મુખ્યમંશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપસિંગ પૂરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા શહેરી વિકાસક્ષેત્રે અનેક પડકારો હતા. આ પડકારોને પરિશ્રમ થકી અવસરમાં પલટાવવાનો રસ્તો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમગ્ર દેશને બતાવ્યો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના Pmjay સ્વચ્છ ભારત, સ્માર્ટ સિટી જેવી પરિયોજનાઓ દ્વારા શહેરી વિકાસ ક્ષેત્રે કાયાપલટ કરી છે. આ બધી યોજનાઓ મોદીજીએ મુખ્યમંત્રી તરીકે ૧૦ વર્ષ પહેલાંથી જ ગુજરાતમાં સફળતાપૂર્વક અમલી બનાવી હતી. રાજકોટમાં બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટ એ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ ને અનુકૂળ શહેરી વિકાસ કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.

કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતના મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યો, રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિવિધ અગ્રણીઓ વગેરેએ પુષ્પગુચ્છ તથા વિવિધ સ્મૃતિ ચિન્હોથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે આજે રાજકોટ ખાતે આરંભાયેલા વિવિધ વિકાસકામોની વિગતો રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. વડાપ્રધાનશ્રી મોદીએ હાઉસિંગ પ્રોજેક્ટને લગતા ચાર પુસ્તકોનું ડિજિટલ વિમોચન કર્યુ હતું. તથા આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના પ્રથમ ત્રણ ક્રમના વિજેતા રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ તથા ત્રિપુરા સહિતના વિજેતા રાજ્યોના સંબંધિત વિભાગના સચિવોને વડાપ્રધાનશ્રીએ પુરસ્કાર એનાયત કર્યા હતા.

વડાપ્રધાનશ્રીના હસ્તે આજે ડિજિટલી લોકાર્પિત કરાયેલા કુલ રૂ. ૬૯૯૦ કરોડના વિવિધ વિકાસ કામો અંતર્ગત રૂ. ૧૧૮.૮૯ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૧૪૪ લાઇટ હાઉસના આવાસો, રૂ. ૮૬.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, રૂ. ૨૫.૮૦ કરોડના ખર્ચે ફોર અને સીકસ લેન રોડ, અને રૂ. ૨૨૭.૨૪ કરોડના ખર્ચે રાજકોટમાં હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાના મૌવા બ્રિજ અને રેલવે માટે પેસેન્જર સુવિધાઓ જેવા પ્રોજેક્ટના લોકાર્પણ પણ સામેલ છે. 

રાજકોટ, મોરબી અને જામનગર ખાતે રૂ. ૨૯૫૮.૫૭ કરોડના ખર્ચે તૈયાર થનારા જી. આઈ. ડી.સી., રૂ. ૧૨૦૪ કરોડના ખર્ચે જેતપુર-ગોંડલ- રાજકોટ ખાતે ૬ લેનના રસ્તાઓ, રૂ. ૫૦૦ કરોડના ખર્ચે રાજકોટમાં આવનારા અમુલ ડેરીનો માઈક્રો પ્રોસેસર પ્લાન્ટ, રૂ. ૯૪૧.૨૮ કરોડના ખર્ચે સાકાર થનારી પાણી પુરવઠા યોજનાઓ, રૂ. ૪૩૬ ખર્ચે રસ્તાઓનું ફોર લેનીંગ, નવું કોર્ટ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, ફાયર સ્ટેશન વગેરે જેવા વિવિધ વિકાસકામોના શિલાન્યાસ વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે કરવામાં આવ્યા હતા.                                                  

વડાપ્રધાનશ્રી મોદીએ રાજકોટમાં રૂ. ૨૮૦ કરોડના ખર્ચે મકનસર ગતિ શક્તિ ટર્મિનલ, ગોંડલ ખાતે રૂ. ૨૦૦ કરોડના ટેકનોલોજી હબ સેન્ટર, રૂ. ૧૬૯.૯૪ કરોડના ખર્ચે રસ્તાઓ પહોળા કરીને રિ-સરફેસિંગ, નદીના પુલનું પુનઃ નિર્માણ, ચિલિંગ પ્લાન્ટના વિસ્તરણ અને ઓટોમેશન ડેરી યુનિટ જેવા વિવિધ વિકાસકાર્યોની જાહેરાત કરી હતી. એરપોર્ટથી રેસકોર્સ સ્થિત સભાસ્થળ સુધી યોજાયેલા વડાપ્રધાનશ્રી મોદીના રોડ શો દરમિયાન રાજકોટ શહેરની ઉત્સાહી જનતાએ વડાપ્રધાનશ્રીને આનંદથી આવકાર આપ્યો હતો. 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી કૌશલ કિશોર, ગુજરાતના મંત્રીશ્રીઓ સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી બ્રિજેશભાઈ મેરજા અને શ્રી અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, ચીફ સેક્રટરીશ્રી પંકજ કુમાર, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા અને શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને પરસોતમભાઈ સાબરીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ સિહોરા, અગ્રણીશ્રીઓ કમલેશભાઈ મીરાણી, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જયંતીભાઈ કવાડિયા, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.