સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગોપીનાથજી મહિલા કોલેજ, સિહોર ખાતે પોક્સો એક્ટ (પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સીસ:)(POCSO)અંગે સેમિનાર યોજાયો      

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે "પોકસો એક્ટ"(પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ સેકસ્યુઅલ ઓફેન્સીસ) #(POCSO) અંગે માહિતી અને માર્ગદર્શન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સિહોરના ચેરમેન શ્રી એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરીશ્રી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય,કેશુભાઇ સોલંકી દ્વારા "પોકસો એક્ટ" અંગે આ સેમિનારમાં વિશદ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં સિનિયર પી.એલ.વી. (પેરા લીગલ વોલન્ટિયર) સભ્યશ્રી હરીશભાઈ પવારે પોક્સો એક્ટ (પ્રિવેન્સ ઓફ ચાઈલ્ડ સેક્સ્યુઅલ ઓબેન્સિસ)(POCSO) વિશદ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી મોબાઈલ ઉપર વ્યસ્ત અને મસ્ત હોય છે ત્યારે મોબાઇલના દૂરોપયોગ દ્વારા છાસવારે સગીર બાળકો ઉપર થતાં અત્યાચારો, શારીરિક શોષણ, છેડતી, અપહરણ, બળાત્કાર જેવાં કિસ્સાઓ અખબારોમાં વાંચવા મળે છે. 

અમૂક કહેવાતાં વિકૃત માનસિકતા ધરાવતાં યુવાનો મોબાઈલનો દૂરોપયોગ કરીને પોર્નોગ્રાફી ફિલ્મ્સ કે છીછરાં દ્રશ્યોને લઈ પોતાના મિત્રો કે અન્યો સાથે ચેટ કરતાં હોય છે. ત્યારે આવાં કિસ્સાઓને લઈ સગીર બાળાઓને લલચાવી- ફોસલાવી અકૃત્ય ઘટનાઓના બનાવો બનતાં હોય છે ત્યારે તે અંગેની જાગૃતિ લાવવી આજના સમયની જરૂરીયાત છે.

જે અંગે આવી કોઈ ઘટનાઓ સગીર બાળકો ઉપર ઘટનાઓ ન બને તે માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દરેક જિલ્લા, તાલુકાઓમાં મહિલા કોલેજ, માધ્યમિક શાળાઓ, ગુરુકુળ હાઇસ્કુલ, કોલેજો ,આઇ.ટી.આઇ. તેમજ બિન સરકારી સંસ્થાઓ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવે છે અને તે અંગેની જાણકારી આપવામાં આવે છે.

ભાવનગર જિલ્લાની શ્રી ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે અનેક ભૂતપૂર્વ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ વર્તમાન કોલેજીયન વિદ્યાર્થીનીઓ કેન્દ્ર કક્ષા/ રાજ્યકક્ષાએ પોલીસ અધિકારી તરીકે તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારી તરીકે મહત્વનું સ્થાન શોભાવે છે.

તેમજ વર્તમાનમાં અભ્યાસ કરતી દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટસ, કરાટે ,શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે કેન્દ્ર/ રાજયકક્ષાએ કાઠું કાઢ્યું છે ત્યારે આ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પોક્સો એક્ટ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના ચેરમેનશ્રી રમેશભાઈ રાઠોડ, ડૉ.દિલીપભાઈ જોષી, પ્રિન્સિપાલશ્રી યોગેશભાઈ જોષી સહિતના પ્રોફેસરશ્રીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં કોલેજની વિદ્યાર્થીનીઓ આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહીને પોક્સો એક્ટ અંગેની જાણકારી મેળવી હતી