પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની મહિલાઓ દ્વારા નગરમાં રેલી કાઢી દારૂબંધીના સૂત્રોચાર કરી કદવાલ પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી આપી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના વિસ્તારમાં દારૂની બદીઓ વધી જવાના કારણે મૃત્યુદર વધી ગયો છે ત્યારે કદવાલ ગામે મહિલાઓ દ્રારા રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં સુત્રોચાર કરી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદન અરજી આપી હતી. ઉપસ્થિત મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ૪૨ ગામના ગઢ ગણાતા કદવાલ તથા આજુબાજુ ના ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે જેના કારણે કદવાલ પંથકની કેટલીક ગરીબ મહિલાઓ વિધવા બની ગઈ છે અને કેટલાક નાના નાના બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જેના કારણે કદવાલ ગામની મહિલાઓ દ્રારા આજે મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દારૂના અડ્ડા બંધ કરવાની માગ કરી હતી અને મહિલાઓએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે જો આવતા દિવસોંમાં દારૂ બંધ નહિ થાય તો આવનાર સમયમાં છોટાઉદેપુર કલેક્ટર ઓફિસ પર ભૂખ હડતાલ કરશુ અને તે છતાં દારૂ અડ્ડા બંધ નહિ થાય તો આગળ વડાપ્રધાન સુધી પોંહચવાની તૈયારી બતાવી હતી. તેમજ મહિલાઓ દ્રારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કદવાલ તથા આજુબાજુ ના ગામોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો કોની પરમિશનથી ? અને કોની મહેબાનીથી ? આ બુટલેગરો દારૂનું વેચાણ કરે છે શુ આમાં પોલીસની પણ મિલીભગત છે ? આવા વેધક સવાલો મહિલાઓએ કર્યા હતા. કદવાલ ગામ તથા આજુબાજુ ગામોની કેટલીક મહિલાઓ વિધવા બની ગઈ છે કેમકે ભર યુવાનીમાં દારૂના રવાડે ચડેલા યુવાનો દારૂના નશાના કારણે નાની ઉંમરે જ મુત્યુ પામ્યા છે.
આમ, પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં દારૂની બદી ખૂબ વધી જતા, મહિલાઓ સજાગ થઈ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનું રણસિંગુ ફૂક્યું છે. તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી કદવાલ વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવે તેવી મહિલાઓની ઉગ્ર માંગ ઉઠી છે.