મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ગામના નવાપરા ખાતે થોડા વર્ષ અગાઉ મકાન ખાલી કરાવવા મામલે બે સગા ભાઈએ એક આધેડને છરીઓના ઘા ઝીકી હત્યા કરી હતી. જે અંગે જેતે સમયે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં આજે મહેસાણા કોર્ટે બે સગા ભાઈઓને આજીવન કેદની સજા ફટકારી છે.
નંદાસણ પાસે આવેલા નવાપરા ગામમાં રહેતા જ્યોત્સના બેન ચંદુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ 9 માર્ચ 2019ના રોજ તેમના મકાનની બાજુમાં દિયરના ઘરમાં હસમુખ પટેલ અને તેની પત્ની ચાર વર્ષથી ભાડે રહેતા હતા. તેમજ અવારનવાર ઝગડા કરતા હતા. જે મામલે ફરિયાદીના પતિએ ઘર ખાલી કરાવવા આરોપી હસમુખ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં સાંજે હસમુખ પટેલ અને તેનો ભાઈ નરેશ પટેલ પોતાના હાથમાં ધોકા અને છરીઓ લઈ આવી ફરિયાદીના પતિ પર તૂટી પડ્યા હતા અને લોહીલુહાણ કરી મૂક્યા હતા. જેથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે સ્થાનિક પોલીસ મથકમાં હત્યા કરનાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ દવેએ કોર્ટ સમક્ષ પોતાની ધારદાર દલીલો રજૂ કરી હતી. આ કેસમાં 14 સાહેદો તપાસવામાં આવ્યાં હતા. તેમજ વકીલની દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પટેલ હસમુખભાઈ મંગળ દાસ અને પટેલ નરેશભાઇ મંગળદાસને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 5 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદ અને IPC 144 માં પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા 2 હજારનો દંડ અને દંડ ન ભરેતો વધુ બે માસની કેદનો હુકમ કર્યો હતો.