પોરબંદરમાં "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ. 
પ્રમુખ તરીકે લાખણશી ગોરાણીયા અને મંત્રી પદે ડો. સ્નેહલ જોશીની પસંદગી
રવિવારે પ્રથમ કાર્યક્રમરૂપે ભવ્ય મુશાયરો યોજાશે.


પોરબંદર શહેર અનેક રીતે વિશ્વ વિખ્યાત છે, ત્યારે પોરબંદરમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, નાટય સહિતની તમામ પ્રકારની કલાઓને ઉજાગર કરવા "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો રવિવારે શુભારંભ થઈ રહ્યો છે. 

પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ ભુમિ, કૃષ્ણ સખા સુદામાની ભૂમિ, દેશવિદેશના પક્ષીઓની સુરખાબી નગરી એવા પોરબંદરમાં સાહિત્ય અને અન્ય તમામ કલાઓને જીવંત રાખવા તથા પોરબંદરના ઉભરતા કલા સર્જકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે પ્લેટફોર્મ પૂરું પાડવા પોરબંદરમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, નાટય જેવી તમામ કલાના અનુભવી મિત્રોએ સાથે મળીને "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો શુભારંભ કર્યો છે. સંસ્થાના પ્રમુખ તરીકે જાણીતા સામાજિક આગેવાન લાખણશી ગોરાણીયા અને સેક્રેટરી તરીકે ડો. સ્નેહલ જોશીની પસંદગી કરવામાં આવી છે. 

◆ નવરંગ સંસ્થાનો ઉદ્દેશ:
નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પોરબંદરના તમામ કલા સર્જકોને મંચ પૂરું પાડવાનો છે, ઉપરાંત તમામ નવોદિત કલા સર્જકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી પોરબંદરમાં વધુને વધુ કલા સર્જકો બહાર આવી સમાજ અને આપણી આવનારી પેઢીને એક ઉત્તમ પ્રકારની કલાની ભેટ આપે તેવા ઉમદા હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. અગામી સમયમાં આ સંસ્થા દ્વારા નવોદિત કલા સર્જકો માટે અનેક પ્રકારના વર્કશોપ અને કલા રસિકો માટે જુદાજુદા કાર્યક્રમો પણ યોજવામાં આવશે. 

◆ પ્રથમ કાર્યક્રમ મુશાયરો યોજાશે:
નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાના શુભારંભે તા. 16/10/2022 રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે એરપોર્ટ રોડ ખાતે આવેલ ગોહિલવાડી બ્રાહ્મ સમાજની વંડીમાં કવિ સંમેલન "મુશાયરા"નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ કવિ સંમેલનમાં ગુજરાતના ગૌરવ સમાન કવિઓ ભાવનગરથી કવિ હિમલ પંડ્યા, જામનગરથી કવિ મનોજ જોશી, અમરેલીથી કવિ અગન રાજ્યગુરુ અને રાજુલાથી કવિ વિમલ અગ્રાવત ઉપસ્થિત રહી પોતાની રચનાઓથી મુશાયરાની મોજ કરાવશે. આ કવિ સંમેલનના અધ્યક્ષ સ્થાને ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, અતિથી વિશેષ તરીકે ડો. સુરેશભાઈ ગાંધી અને કવિ જ્યંતભાઈ મોઢા ખાસ ઉપસ્થિત રહેશે. 

આથી આ કવિ સંમેલન મુશાયરા કાર્યક્રમમાં પોરબંદરના તમામ કલા રસિકોને ઉપસ્થિત રહેવા પ્રમુખશ્રી લાખણશી ગોરાણીયા, મંત્રીશ્રી ડો. સ્નેહલ જોશી અને સંયોજક લાખણશી આગઠ સહિત નવરંગ સંસ્થાના હોદ્દેદારોએ લોકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.