લીંબડી-સાયલા હાઈવે પર ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓવરલોડ રેતી અને બ્લેકટ્રેપ ભરેલા 3 વાહનોને ઝડપી પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લીંબડી-ચુડાના ભોગાવા નદીઓમાં ભૂમાફિયા રેતીની ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે તે અંગે ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.સુરેન્દ્રનગર ખાણ ખનીજ ખાતાના અધિકારીએ આપેલી સૂચનાને આધારે વહેલી સવારે તપાસ ટીમના રાહુલભાઈ મહેશ્વરી, સંજયસિંહ મસાણી, સાહિલ પટેલ દ્વારા લીંબડી-સાયલા હાઈવે પર વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીંબડી-સાયલા હાઈવે પર બિન અધિકૃત રીતે બ્લેકટ્રેપ અને રેતીનું વહન કરતા 3 ડમ્પરોને ઝડપી પાડ્યા હતા.બોટાદના કાદરના ડમ્પરમાં ઓવરલોડ રેતી, સાયલાના જયેન્દ્ર પરમાર અને અમદાવાદના ધર્મેન્દ્ર પટેલના ડમ્પરમાં ઓવરલોડ બ્લેકટ્રેપ મળી આવી હતી. અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર ખનન વહન કરતા વાહનોને લીંબડી પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હતા.લીંબડી, ચુડા તાલુકાના ભોગાવા નદીમાં ભૂમાફિયા ખુલ્લેઆમ રેતીની ચોરી કરી સરકારી તિજોરીને કરોડો રૂ.નો ચૂનો લગાવી રહ્યા છે. ગેરકાયદેસર કે મંજૂરી લઈ ઊભા કરેલા વોશ પ્લાન્ટો નદીમાંથી બેફામ બનીને રેતીની ચોરી કરી રહ્યા છે પરંતુ તેમની સામે ખાણ ખનીજ ખાતું કોઈપણ કાર્યવાહી નહીં કરતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.