ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નાના મોટા દરેક પક્ષ ચૂંટણીના પ્રચારમાં જોતરાઈ ગયાં છે. જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહુચરાજીમાં મા બહુચરના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ અને ગૌરવ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને ઘડી આવી પહોંચી હતી અને કડીના થોળ રોડ પર દશામાના મંદિર ખાતે ગૌરવયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌરવ યાત્રામાં કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના નેતાઓ કડી ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકાના મેદાનમાં ભવ્ય જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડીના થોળ રોડ ઉપર ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌરવ યાત્રા કરીને નગરપાલિકાના મેદાનમાં આવી પહોંચી હતી. જ્યાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં જાહેરસભા સંબોધી હતી.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરસભા સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત સરકારના શહેરી વિકાસમાંથી કડી નગરપાલિકાને 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને હવે મોટુ કડીના કરણનગર રોડ ઉપર ક્રિકેટ સ્ટેડિયમ અને રમત ગમતનું મેદાન બનાવવાનું છે. ગૌરવ યાત્રાનું સૂત્ર છે કે ભરોસાની ભાજપની સરકાર વધુમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમ આદમી પાર્ટીને કટાક્ષ મારતાં કહ્યું હતું કે, કડી તાલુકાના થોળ તળાવમાં શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓ આવે છે અને જેવો શિયાળો સમાપ્ત થઈ જાય તો તરત જ પક્ષીઓ પોતપોતાના દેશમાં જતા રહે છે. તે જ રીતે ગુજરાતમાં ચૂંટણી આવે એટલે નાના મોટા પક્ષો ગુજરાતમાં આવી પહોંચે છે અને આવીને લાલચો આપશે પણ કોઈ જ લાલચમાં આપણી કડી,મહેસાણા અને ગુજરાત રાજ્યની જનતા આવવાની નથી.