વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે એ સમાજ આગળ આવ્યો છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સંગઠન જ મોટી શક્તિ છે

- આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે

- શ્રમની પ્રતિષ્ઠા પ્રગતિનું ઔષધ છે

- : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ'ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી 

- વડાપ્રધાનશ્રીએ સમાજના દરેક વર્ગના હિતને ધ્યાનમાં રાખીને સર્વપોષક, સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી  

- વડાપ્રધાન શ્રીએ સમગ્ર દેશના જરૂરિયાતમંદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે શ્રી મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત 'મોદી શૈક્ષણિક સંકુલ'ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું છે તે સાચી દિશામાં રસ્તો છે. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રીએ કહ્યું હતુ કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.

વડાપ્રધાનશ્રીએ, મોદી સમાજના શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. 

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાંય સમાજની એક પણ વ્યક્તિ મારી પાસે કોઇ પણ કામ લઇને આવી નથી. એના દ્વારા સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું. 

સિંગાપોરમાં ત્યાના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી એક નાની આઇ.ટી.આઇ.નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ આઇ.ટી.આઇ.માં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આજ રીતે આપણે ત્યાં પણ આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઇચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. હુન્નર હશે તો ક્યારેય પાછા વળીને જોવું નહીં પડે એ સર્વ સત્ય છે. ત્યારે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલું જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

- : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ'ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી છે. એટલુ જ નહિ સમગ્ર દેશના જરૂરિયાતમંદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે. સમાજના દરેક વર્ગના હિતને ધ્યાને રાખીને સર્વપોષક, સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી છે અને વિકાસની રાજનીતિનો માર્ગ દેશને વડાપ્રધાન શ્રીએ બતાવ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તો સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિધા પહોંચાડે છે, પણ જ્યારે સામાજની સંગઠનશક્તિ ખભેથી ખભા મિલાવીને, સમાજ કલ્યાણ માટે આગળ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે અને પરિણામે મોદી શૈક્ષણિક સંકુલ જેવા જનહિત પ્રકલ્પોનું નિર્માણ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી શૈક્ષણિક સંકુલની વિશેષતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મોઢ મોદી સમાજ ગુજરાતનાં નાનાં અને અંતરિયાળ ગામડાંઓમાં વસતો સમાજ છે. આ સમાજના યુવાનો-યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવે ત્યારે તેમને રહેવા જમવાની સગવડ આ સંકુલમાં મળી રહેશે. આધુનિક સુવિધા સાથેની ૧૨ માળની હોસ્ટેલ તૈયાર થઇ ગઇ છે અને આગામી સમયમાં કોમ્યૂનિટી હોલ બનવાનો છે. આ નવા સંકુલમાં રહી સમાજના યુવાનો ઉચ્ચ-શિક્ષણ ક્ષેત્રે અનેક નવી તકોને ઝડપી શકશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં શિક્ષણ માટે શ્રી નરેન્દ્રભાઈએ કરેલા સાર્થક પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણને આગળ લાવવા અથાગ પ્રયત્નો કરેલા છે. જેના કારણે બે દાયકા પહેલાં ગુજરાતનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો, જે આજે ઘટીને ૨ થી ૩ ટકા સુધી આવી ગયો છે. ગુજરાતમાં પહેલાં માત્ર ૨૭ યુનિવર્સિટીઓ હતી. નરેન્દ્રભાઈએ ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ વિશ્વકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો અને પરિણામે આજે રાજ્યમાં ૧૦૨ યુનિવર્સિટીઓ છે. 

લોકાર્પણ સમારંભમાં સંબોધન પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મોદી શૈક્ષણિક સંકુલ'ની મુલાકાત લઈને દરેક વિભાગ અને વ્યવસ્થાઓને નિહાળી હતી.

સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદ એજ્યુકેશન હબ હોઇ સમાજના બાળકોને રહેવા ઉપરાંત શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ સંકુલનું નિર્માણ કરાયું છે. આ સંકુલ સમસ્ત મોદી સમાજ માટે ઉપયોગી પુરવાર થવા ઉપરાંત મોદી સમાજના તમામ વાડાઓ માટે એક્તાનું કેન્દ્ર બનશે એમ તેમણે ઉમેર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ દ્વારા નિર્મિત મોદી શૈક્ષણિક સંકુલ અનેક સુવિધાઓ ધરાવે છે. ૪૯૭૮ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ રિસેપ્શન એરિયા, ભવિષ્યમાં સમાજના બાળકો માટે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટેની જગ્યાનું પણ આયોજન, હોસ્ટેલ સંચાલક રૂમ જેવી સુવિધાઓ સાથે આકાર પામ્યું છે. આ ઉપરાત ગેસ્ટ રૂમ, રસોડું અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા છે. જ્યારે બીજાથી બાર માળ સુધી દરેક માળે 10 હોસ્ટલ રૂમ કુલ મળી ૧૧૬ હોસ્ટેલ રૂમની વ્યવસ્થાઓ છે. આમ, સંકુલમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રહેવાની સગવડ ઊભી કરવામાં આવી છે. અંદાજિત રૂ. 20 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું ફેઝ -૧નું સંપૂર્ણ કામ પૂરું થઇ ગયું છે. જયારે બીજા ફેઝમાં સમાજ માટે કોમ્યૂનિટી હોલ આધુનિક સુવિધા સાથે બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને વાહન વ્યવહાર મંત્રી તથા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પ્રમુખ શ્રી સોમાભાઈ મોદી, સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મોદી તેમજ મોદી સમાજના અગ્રણીઓ- લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .