વડાપ્રધાનશ્રી :- 

 ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે 

 નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે

 નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે 

 આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે 

 ભારતનું અર્થતંત્ર ર૦૧૪માં વિશ્વમાં ૧૦મા ક્રમે થી આજે પાંચમા સ્થાને આવી ગયું 

 કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો રપ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે 

 ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારે થઇ રહ્યો છે

.................

-: મુખ્યમંત્રીશ્રી :-

 પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક કદમ આગળ વધ્યા

 ગુજરાતમાં ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ, આગામી સમયમાં ગુજરાતમાં ખૂબ મૂડી રોકાણ આવશે

 ગુજરાતને હાલ જે સિદ્ધિઓ મળે છે, તેનો પાયો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો છે

 ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે

.................

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. ૮ર૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. 

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.૫૬૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. ૩૦ કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ - ૧ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACL ના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને "આત્મનિર્ભર ભારત" ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. 

             તેમણે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.૭૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા, છોટાઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને બનાસકાંઠાના અમીરગઢમાં રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચ નિર્માણ પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્ક, વલસાડ જિલ્લાના કઠવાડી - દાંતી ખાતે રૂ.૮૯.૯૮ કરોડના ખર્ચ આકાર લેનાર સી - ફૂડ પાર્ક તથા મહીસાગર જિલ્લાના ખાંડીવાવ ખાતે રૂ.૧૭૬.૯૪ કરોડના ખર્ચ સ્થાપનાર એમએસએમઇ પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. ભરૂચ શહેરમાં રૂ.૧૧૭.૫૩ કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી, રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ.૩૧૫કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.

           વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.   

 આ સંદર્ભે તેમણે કહ્યું કે, એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. 

 ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

            વડાપ્રધાનશ્રીએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કરેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કામોમાં ફાળવેલા નાણાં ભૂતકાળની સરકારોના કુલ વાર્ષિક બજેટ જેટલા હોવાનું જણાવી ઉમેર્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર સરકાર એમ ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટાપાયે અને તીવ્ર ગતિએ પૂર્ણ થાય છે. 

 બે દાયકા પહેલાં રાજ્યની ઓળખ વેપારી રાજ્યની હતી, તેના સ્થાને આજે ગુજરાત ખેતી, ઉદ્યોગો, કોસ્ટલ લાઈન, બંદરો, સમુદ્રી વ્યાપારથી ધમધમતું થયું છે, અને બે દશકામાં ગુજરાત સર્વાંગી વિકાસ સાથે ગુણાત્મક પરિવર્તનનું સાક્ષી બન્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

            દેશના કુલ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત ૨૫ ટકો હિસ્સો ધરાવે છે એ રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે એમ પણ વડાપ્રધાનશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.  

દવા ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાતે કોરોના કાળમાં દેશની મોટી સેવા આ દવાઓ-વેક્સિન મારફત કરી છે તેને પણ વડાપ્રધાનશ્રીએ બિરદાવી હતી. 

 વર્ષ ૨૦૧૪ માં ભારતની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં દસમા ક્રમે હતી તે આજે ઈંગ્લેન્ડને પાછળ રાખી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. ભારત ઉપર ૨૫૦ વર્ષ સુધી શાસન કરનારો દેશ આજે પાછળ રહી ગયો છે. આટલી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાનો શ્રેય દેશના નાનામોટા સર્વ ઉદ્યમીઓને જાય છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 

          જો નીતિ અને નિયત બેય સાફ હોય તો તેના આધારે વિકાસના સપના સાકાર કરવાનું વાતાવરણ સુદ્રઢ બને છે તે આપણે પૂરવાર કર્યુ છે એમ પણ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું. 

 વીસ વર્ષ પૂર્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવવા માટે પણ વલખા મારવા પડતા હતા એવી વિકટ અને ભયાવહ સ્થિતિની યાદ તાજી કરાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આદિવાસી બાંધવો કાળી મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હતા. ભરૂચ તો લોકોની હિજરતથી ખાલી થવાની તૈયારીમાં હતું. તેમાંય ગુનેગારો બેફામ બન્યા હતા. માતા-દિકરીઓને રાત્રે બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડતો હતો. કાયદો અને વ્યવસ્થાની આવી વરવી સ્થિતિમાં ગુજરાતના આત્માને વીંખી નાંખવાના પ્રયાસો થતા હતા. અમારી સરકારે ભલભલા ખેરખાંઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે, આ શાંતિનો લાભ તમામ લોકોને મળ્યો છે. તેના કારણે માતાઓના મને ભરપૂર આશીર્વાદ મળ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

                સરદાર સરોવર પ્રોજેક્ટની માફક ભરૂચના ભાડભૂત બેરેજને અટકાવવાની સાજિશનાા અર્બન નક્સલીઓના ભૂતકાળના પ્રયાસો ગુજરાતની સમજદાર જનતા ક્યારેય સફળ નહીં થવા દે એવું પણ વડાપ્રધાનશ્રીએ સાફસાફ શબ્દોમાં જણાવ્યું હતું. કેટલાક અર્બન નક્સલીઓ ગુજરાતમાં ઉડાન ભરતા આવે છે અને ગુજરાતના યુવાધનને ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયાસ કરે છે, દેશના અનેક રાજ્યોમાં નક્સલવાદના દુષ્પરિણામો આપણે જોયા છે. પરંતુ ગુજરાતમાં ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ, રોજગાર, પાણી જેવી પાયાની સુવિધાઓ આપી આદિવાસી યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળ થયા છીએ તેમ તેમણે જણાવ્યું હતું. 

 વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરી આ દિવાળીના પર્વે સ્વદેશી આતશબાજીની ખરીદી કરીને ગરીબ કારીગરોના ઘરોમાં ઉજાસ ફેલાવવા અને બારેય મહિના ફટાકડાની ચમકારા સમાન આગવી ચમકની તેમને ભેટ આપવા આહ્વાન કર્યું હતું. 

           સંબોધનના પ્રારંભે વડાપ્રધાનશ્રીએ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુ.પી ના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના દુઃખદ નિધનથી દેશને પૂરી ન શકાય તેવી ક્ષતિ થઇ છે. તેમના આશીર્વાદ મારા માટે અનમોલ અમાનત છે. ઘોર રાજકીય અવરોધો વચ્ચે પણ તેમનો મારા પ્રત્યે સતત સ્નેહ રહ્યો છે. 

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્ક ડ્રગ પાર્ક 2000 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો અને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતો ઔદ્યોગિક પાર્ક બનશે. રાજ્ય સરકારે આ પાર્ક માટે રૂ 450 કરોડ જેટલી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેના પરિણામે બલ્ક ડ્રગ ઉદ્યોગકારોને પાર્કમાં ખૂબ જ ઓછા દરે જમીન ફાળવી શકાશે અને તેમને પ્રારંભિક મૂડીરોકાણમાં ખૂબ મોટી રાહત મળશે.

આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, દવાઓ અને તેના રો-મટિરિયલના ઉત્પાદન તથા દવાની નિકાસમાં ગુજરાતનું મોટું યોગદાન છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરથી પણ આ બલ્ક ડ્રગ પાર્કને મોટો લાભ થવાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશો જ્યારે કોરોના મહામારી સામે ટકવા સંઘર્ષ કરતા હતા, ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સ્વદેશી વેક્સિન વિકસાવી અને દુનિયાભરના અનેક દેશોને મદદ પહોંચાડી મહામારીથી બચાવ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને દેશને દવા-ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર બનાવવા તેમણે મેગા બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આવશ્યક સુવિધાઓ એક સ્થળે અને ઓછા દરે પ્રાપ્ત થાય તે માટે દરેક પાર્કદીઠ રૂપિયા 1000 કરોડની કેન્દ્ર સરકારની સહાય આપવાનો અભૂતપૂર્વ નિર્ણય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા બલ્ક ડ્રગ પાર્ક માટે પાણી, વીજળી, રાજ્યવેરા, જેવી વિવિધ સેવાઓ માટે રાહતદર જાહેર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરમાળખાકીય, ઔદ્યોગિક અને સામાજિક, એમ ત્રિ-સ્તરીય અભિગમ અપનાવીને સર્વસમાવેશી વિકાસ સાધ્યો છે. વાઈબ્રન્ટ સમિટને પગલે ગુજરાત દેશવિદેશના રોકા૧ણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ‘ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે.

રાજ્ય સરકારે આદણીય વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા માર્ગે ચાલીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ જાહેર કરી છે. આ સ્કીમ ઉદ્યોગોને વૈશ્વિક હરિફાઈ માટે સક્ષમ બનાવશે અને રૂ. 12.50 લાખ કરોડના મૂડીરોકાણ લાવશે તથા 15 લાખ લોકોને રોજગારી આપશે.

ભારતના અમૃતકાળને સુવર્ણકાળ બનાવવાની આદરણીય વડાપ્રધાનશ્રીની નેમ પાર પાડવા માટે અને ગુજરાતના સર્વાંગી વિકાસના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લેખાશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક થકી સ્થાનિક વિસ્તાર સહિત ગુજરાતને વડાપ્રધાનશ્રીએ મોટી સોગાદ આપી છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા સાકાર થઈ રહી છે એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

            શ્રી માંડવિયાએ મેગા પ્રોજેક્ટના ફાયદા જણાવતાં કહ્યું કે,આ પ્રોજેક્ટ મોટા પાયે સ્થાનિક યુવાનો માટે રોજગારીના સુવર્ણ અવસરો પ્રદાન કરશે. આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ, દવાના રો મટિરીયલ, સહિત ફાર્મા સંલગ્ન ઉદ્યોગો, આવાસ, શિક્ષણ, વ્યાવસાયિક, સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. તેમણે આ પ્રોજેક્ટ યુવા સાહસિકો સહિત ફાર્મા ઉદ્યોગ એકમોને વિકાસ અને આર્થિક પ્રગતિની નવી તકો પૂરી પાડશે એમ જણાવી ૮૨૦૦ કરોડના માતબર વિકાસકામો જનસમર્પિત થવાથી અનેકવિધ ક્ષેત્રે વિકાસની ગતિ તેજ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

           આ પ્રસંગેપ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, સંજયભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, GIDC ના વહીવટી સંચાલકશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .