સુરત જિલ્લાના કડોદરા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જાહેર સભાને સંબોધી.

સુરત જિલ્લાના કડોદરા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેર સભા સંબોધી હતી. સમગ્ર કાર્યક્રમને પગલે સુરત જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આપ સુપ્રિમોની જાહેર સભાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જે જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા.

કડોદરા ખાતે જનમેદનીને સંબોધતા આપ સુપ્રિમોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે સરકાર બન્યા બાદ સૌથી પહેલાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવામાં આવશે. અને કેજરીવાલ જ્યારે વડોદરા ખાતે રોડ શો કરી રહ્યા હતા. ત્યારે તેઓના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા. અને કેજરીવાલનાં ફોટાની બાજુમાં ભગવાનના વિરોધમાં એલફેલ લખ્યું હતું. પહેલાના જમાનામાં રાક્ષસો સાધુની તપસ્યા ભંગ કરવા આવું કામ કરતા હતા. આવા લોકો રાવણ જ છે. આ લોકો રાક્ષસની યોનિમાં પેદા થયા છે, કંસની ઓલાદ છે. એવું કહેતા કેજરીવાલે મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો. અને ભગવાને મને રાક્ષસોનો વિનાશ કરવા માટે મને જન્મ આપ્યો છે.

ગુજરાતના 1 ધારાસભ્ય પાસે ચૂંટણી લડવા પહેલા 5 વીઘા જમીન હતી. ચૂંટણી જીત્યા બાદ તેણે 1 હજાર વીઘા જમીન ખરીદી લીધી છે. તેવા પણ આક્ષેપો કેજરીવાલે કર્યા હતા. દર વર્ષે ગુજરાત સરકાર 2. 50 લાખ કરોડ ટેક્સ વસુલે છે. ક્યાં ગયા બધા પૈસા? ભાજપ સરકારે લૂંટી લીધા છે બધા પૈસા. ગુજરાતને ભ્રષ્ટચાર મુક્ત સરકાર આપશે આમ આદમી પાર્ટી. જેટલા પૈસા ભાજપે લૂંટ્યા છે એ તમામ પૈસા પરત લાવવામાં આવશે. આપના કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી ભ્રષ્ટાચાર કરશે તો તેઓ તમામ જેલ ભેગા થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં તમામ સરકારી કચેરી બંધ કરી દીધી છે, ગુજરાતમાં પણ સરકારી કચેરીઓ બંધ કરી દેશું. અધિકારીઓ કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે. અધિકારીઓ તમારા ઘરે આવીને તમારા કામ કરશે.