વઢવાણ ગણપતિ ફાટક સાથે વાહન અથડાતાં બંધ થતું ફાટક તૂટી ગયું હતું.4 વર્ષ પહેલાં અન્ડરબ્રિજની બનાવવાની રજૂઆતો થઈ હતી

વઢવાણ શહેરના ગણપતિ ફાટકે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. આ સ્થળે 4 વર્ષ પહેલા પણ અન્ડરબ્રિજની રજૂઆતો સાથે બ્રિજ બનાવવાની વાતો થઇ હતી. પરંતુ હજુ સુધી સુવિધા ન મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. કારણે સુરેન્દ્રનગર-વઢવાણ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ શાળા-કોલેજ સહિતના વિદ્યાર્થીઓ અહીંથી મોટી સંખ્યામાં પસાર થાય છે.આ ઉપરાંત દૂધની ડેરીના પુલ પરથી આ રસ્તો રાજકોટ બાયપાસ નીકળે છે. આથી નાના-મોટા વાહનોની અવરજવર વધુ રહે છે. થોડા દિવસો પહેલા જ ડમ્પર ફાટક સાથે અથડાતા દોડધામ સાથે આ રસ્તા પર અડધો કલાક ટ્રાફિક જામ થતા લોકો અકળાયા હતા.ત્યારે ફરી તા. 8 ઓક્ટોબરને શનિવારની મોડી રાત્રે પૂરપાટ આવતા પીકઅપ વાહન આ ફાટક સાથે ભટકાતા તૂટી ગયુ હતુ. જો કે, આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. બનાવની જાણ થતા રેલવે તંત્ર દોડી આવીને ફાટક રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી.બીજી તરફ ગુજરાત ફાટક મુક્ત થઈ ગયું પણ ગણપતિ ફાટકમુક્ત ક્યારે થશે સહિતના લોકોમાં સવારો ઉઠ્યા હતા. આ અંગે વિશાલભાઈ વાઘેલા, સુનીલભાઈ રાઠોડ વગેરે વારંવાર બ્રિજ બનાવવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અને આવી રીતે અવર નવર અકસ્માતના બનાવ બનતા હોય છે. આ સ્થળે કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ છે.