ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા મહેમદાવાદ તાલુકાના સિહૂંજ, જાળીયા અને રતનપુરા ગામે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ૪.૫ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં સિહૂંજ ગામે, સિહૂંજ, ગુટેલા હનુમાન અને નવચેતના જોડતો ૫ કિ.મી. નો રસ્તો, જાળીયા ગામે બોરી વિસ્તાર થી અભ્રીપુર અને શ્રીજીપુરા થી જાડેશ્વરી મંદિર અને જાળીયા વાંટા થી સરસવણી સુધી ના કુલ ૪ કિ. મી. ના રસ્તાઓ અને રતનપુરા મુકામે રતનપુરા થી સોનપુરા સુધી ૧.૫ કિ.મી. અંતરના રસ્તાનો સમાવેશ થાય છે. 

આ અવસરે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે એક માત્ર વિકાસના ધ્યેયમંત્રને વરેલી ડબલ એન્જિન સરકારે કોઈપણ જાતના ભેદભાવ વગર લોક સુખાકારીમાં વધારો કરતા અસંખ્ય જનહિતના કામો કર્યા છે. આજે જ્યારે સરકાર અવિરતપણે જનકલ્યાણના કાર્યો કરી રહી છે ત્યારે સારી ગુણવત્તાના રસ્તાઓથી આ વિકાસકામોને ગતિ મળતી હોય છે. સુદૃઢ રસ્તાઓના માધ્યમથી શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય છે. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નટવરસિંહ ચૌહાણ, મહેમદાવાદ તાલુકા પંચાયત સભ્યો, કારોબારી ચેરમનશ્રી, ગ્રામ સરપંચશ્રીઓ, સભ્યો અગ્રણી અજબસિંહ, અન્ય ગ્રામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.