સુરત શહેર પોલીસે 1. 5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા ખાતેથી માતા-પુત્રની ધરપકડ કરી હતી.

સુરતમાં  પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી અજમેરના રહેવાસી યુવકને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. યુવક સુરતમાં ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ ઘટનામાં ડીસીબી પોલીસે મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા માતા-પુત્રની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી જેલભેગા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે અજમેરના રહેવાસી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેને ડ્રગ્સનો જથ્થો મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા ઇસમે આપ્યો હતો અને સુરતમાં તે ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે સમગ્ર મામલાની તપાસ પણ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ બનાવમાં મુંબઈ નાલા સોપારાના રહેવાસી સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રહીશખાન તેમજ તેની માતા કૌશર ઇમરાન ઉર્ફે ઇમાં મલિક અબ્દુલ શેખની ધરપકડ કરી છે. સફાતખાન ઉર્ફે બલ્લુને કોર્ટમાં રજૂ કરી પોલીસે 8-10-2022 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે તેની માતા 15-10-2022 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. વધુમાં ઝડપાયેલી કૌશલ ઇમરાન ઉર્ફે ઇમાં અગાઉ 45 કિલો ચરસ સાથે મુંબઈ એનસીબીમાં ઝડપાઈ હતી. તેનો પતિ પણ એનડીપીએસના ગુનામાં જેલમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.