વિશ્વ કપાસ દિનની ઉજવણી, નવસારી કૃષિ યુ.ના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડુત દિનની ઉજવણી

૭મી ઓકટોબર વિશ્વ કપાસ દિનની ઉજવણીના ભાગરૂપે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત દ્વારા અઠવા ફાર્મ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડુત દિનની ઉજવણી કરવામાં આવી હતી. 

             આ અવસરે નવસારી કૃષિ યુ.ના કુલપતિશ્રી ઝેડ.પી.પટેલે જણાવ્યું હતું કે, ઋગ્વેદમાં પણ કપાસનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૯૭૧ના વર્ષમાં પ્રતિ હેકરદિઠ ૧૩૯ કિલો કપાસનું ઉત્પાદન થતુ હતું. જે હાલમાં ૬૦૦ કિલોએ પહોચ્યું છે. ખેડુતોએ રીમોટ ખેતી તથા ડબુક ખેત પધ્ધતિથી બહાર નીકળીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો. સુરતનું કપાસ સંશોધન કેન્દ્રની ૧૮૯૬ના વર્ષમાં અંગ્રેજોના સમયે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અનેક વૈજ્ઞાનિકોએ સંશોધનો કરીને નવી નવી કપાસની જાતો ખેડુતોને આપી છે. આવનારા સમયમાં પણ કપાસના ઉત્પાદનમાં વધારો થાય તે માટે અવનવા સંશોધનો આ કેન્દ્રમાં થાય તેવી શુભેચ્છાઓ તેમણે આપી હતી.

         આ પ્રસંગે નવસારી કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષક નિયામક ડો.એન.એમ.ચૌહાણે જણાવ્યું કે, કપાસએ સફેદ સોનું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના અમુક તાલુકાઓમાં કપાસનુ વાવેતર થાય છે. ખાસ કરીને તાપી જિલ્લાના નિઝર અને કુંકરમુડા તાલુકાઓમાં કપાસનું વધુ વાવેતર થાય છે. આગામી સમયમાં પણ કપાસનું ઉત્પાદન વધે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી. 

         આ અવસરે સંશોધન વૈજ્ઞાનિક(કપાસ) મુખ્ય સંશોધન કેન્દ્રના ડો.એમ.સી.પટેલ, યુનિ.ના સંશોધન નિયામકશ્રી ટી.આર.અહલાવત, યુનિ.ના સદસ્યશ્રી એન.ડી.મોદી તથા જે.જી.પટેલે કપાસ વિશે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.  

            આ પ્રસંગે મહાનુભાવોએ બી.ટી.કપાસમાં કિટકના નિયંત્રણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કપાસક્ષેત્રના પ્રગતિશીલ ખેડુતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

         આ અવસરે ખેડુતોને ડ્રોન ટેકનોલોજી દ્વારા દવા છંટકાવ તથા ગુલાબી ઈયળોનું નિયંત્રણ અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કપાસની અનુકુળ જાતો તેનુ બીજ ઉત્પાદન રોગ જીવાત અંગે નિયંત્રણ વિશે ખેડુતોને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.