(પોકસો એક્ટ) જાગરૂકતા અંગે કાનૂની જાગરૂકતા શિબિર યોજાઈ
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રી અરવિંદ કુમાર તથા એકઝીક્યુટિવ ચેરમેન સુશ્રી સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૨૬.૦૯.૨૦૨૨ થી ૨૦.૧૦.૨૦૨૨ દરમિયાન યુનિસેફ સાથે સૌહાર્દ સંસ્થાના સહયોગ થી સમગ્ર રાજ્ય ના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડલો દ્વારા બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ (Pocso Act) ની કાનૂની જોગવાઇ અંગે જાગરૂકતા ફેલાવવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત આજરોજ સૂરત શહેરના સિવિલ ખાતે સ્થિત સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત હૉલ ખાતે અધિક સિનિયર સિવિલ જજ અને સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એચ. વી. જોટાનીયાની વિશેષ ઉપસ્થિતિમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ. જી. ઇન્ટરન અને પી.જી.વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે જજ જોટાનિયાએ પોકસો એક્ટ,મહિલા સુરક્ષા, સેલ્ફ ડિફેન્સમાં રહેલા કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી આપી હતી.
આ અવસરે કોલેજના ડીન ઋતંભરા મહેતાએ ટીનેજ ઉમ્રમાં થતાં ફેરફારો અને આજના વાતાવરણમાં શું સાવચેતી રાખવી તેના વિશે જણાવ્યું હતું. પી.એલ.વી. અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલે પૉકસો શું છે એ કાયદાની ગંભીરતા અંગે, પેનલ એડવોકેટ મોના પંડ્યા દ્વારા હાલના સમયમાં થઈ રહેલા ગુનાઓ અને ઘટનાઓ વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને આ કાયદા ને લઈને હકારાત્મક અભિગમ જાણ્યા હતા.
વધુમાં ડૉક્ટર રાગિની વર્માએ વિદ્યાર્થીઓને આ એક્ટ વિશે જણાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને મેડિકલ ફિલ્ડમાં કઈ રીતે ઉપયોગી થઇ શકે તે વિશે માહિતી આપી હતી. સાથે ગાઈનેકોલોજિસ્ટ ડૉ. સરલ ભાટિયા દ્વારા પોતાના મેડિકલ અનુભવોથી આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં કઈ રીતે ભોગ બનનાર તકલીફમાં હોય એનાથી અવગત કરાવી સાવચેતી રાખવા જણાવ્યું હતું. અંતે પ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઇન સૂરત અને વલસાડના ડાયરેક્ટર ચંદ્રશેખર દેશમુખ દ્વારા ૧૦૯૮ જેવી ચાઈલ્ડ હેલ્પલાઇન થકી મદદ મેળવવાનું જણાવ્યું હતું.