પોરબંદર જિલ્લાના ૬૮ સ્વસહાય જૂથોને રૂ ૬૮ લાખની લોન સહાયનું વિતરણ કરાયું પોરબંદર. તા. ૩૦. દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ મિશન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને ગ્રામવિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયત પોરબંદર ખાતે સ્વ સહાય જૂથોની બહેનોને કેશ ક્રેડિટ લોન, રિવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના લાભ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ તકે કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે કુલ ૬૮ સ્વસહાય જૂથોને રૂ ૬૮ લાખની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી હતી. તેમજ ૬૩ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પેટે રૂ.૧૪ લાખ ૩૦ હજાર તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ લાભાર્થીઓને કુલ રૂ. ૪૪ લાખ ૫૦ હજારના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરેલા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બેન્ક સખીને નિમણૂક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સખી મંડળો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુઓનું માર્કેટિંગ થઈ શકે તેમજ આર્થિક ઉપાર્જન કરી આત્મનિર્ભર બને અને લોકો પણ બહેનોના હુન્નરને જાણી શકે તે માટે સખીમેળાઓ યોજી સરકાર મહિલાઓના હુન્નરને બધા સામે લાવવા માટે અગત્યનું પ્લેટફોર્મ સાબિત થયું છે. અત્રે પોરબંદર ખાતે પણ સખી મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા સખીમંડળો ભાગ લીધો હતો.