કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થોડાક દિવસોમાં સગીર વયના યુવકો તેમજ યુવતીઓ ગુમ થયાની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે કડી તાલુકાના એક ગામની સોળ વર્ષની સગીરા ગુમ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

કડી તાલુકાના એક ગામમાં પોતાના પરિવાર સાથે એક માતા રહે છે, જેમના ત્રણ બાળકો છે. તેમના પતિનું થોડાક વર્ષો પહેલા અવસાન થયું હતું. જ્યારે માતા તથા પોતાના બાળકો ઘરની અંદર રાત્રિ દરમિયાન સૂઈ રહ્યાં હતાં, ત્યારે માતાની રાત્રે ત્રણ વાગે આંખ ખૂલતાં તેણે જાગીને જોતાં તેમની નવમા ધોરણમાં ભણતી સોળ વર્ષની સગીર વયની દીકરી ઘરમાં જોવા મળી ન હતી. જ્યારે પોતાની દીકરી ઘરમાં ન દેખાતાં માતા હાંફળા ફાંફળા થઇ ગયા હતા અને આજુબાજુ તેમજ અડોશ પડોશમાં જોતા તેમની દીકરી મળી આવી ન હતી. ત્યારે બીજા દિવસે સગા સંબંધીઓ તેમજ આજુબાજુના ગામ અને પોતાના ગામમાં તલાશી કરતાં પોતાની સોળ વર્ષની સગીર વયની દીકરી મળી ન આવતાં માતા પરિવાર સાથે કડી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. માતાએ પોતાની નવમા ધોરણમાં ભણતી સગીર દીકરી ગુમ થયાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.