વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બેડમિન્ટન સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો

       સુરતમાં તા.૧ થી ૬ ઓક્ટો. દરમિયાન આયોજિત બેડમિન્ટન સ્પર્ધાના અંતિમ દિને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બેડમિન્ટન સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે બેડમિન્ટનના વિજેતા સ્પર્ધકોને મેડળો એનાયત કરાયા હતા. 

               આ પ્રસંગે મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ખેલો ઈન્ડિયા’ તેમજ ‘ફીટ ઈન્ડિયા’ અભિયાનને સાકાર કરતા ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં દેશભરના વિવિધ પ્રાંતથી આવેલ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત અને સુરતની ભૂમિએ ખેલાડીઓને ખૂબ પ્રેમ આપ્યો. દેશના યુવાધનમાં વૈશ્વિક સ્તરે સ્પોર્ટ્સ હરિફાઈ કરવાની ક્ષમતા છે. ‘ખેલો ઈન્ડિયા’ અને ‘નેશનલ ગેમ્સ’ આ વાતને ચરિતાર્થ કરે છે. 

              રાજ્યના વિકાસનું રોલ મોડેલ ગણાતું સુરત દરેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની કરવા સક્ષમ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ બેડમિન્ટન સ્પર્ધામાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં આર્યમન ટંડને બ્રોન્ઝ મેડલ જીતવાની ક્ષણને ગુજરાત માટે ગર્વભરી ગણાવી હતી અને તમામ સિદ્ધિપ્રાપ્ત ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

              નોંધનીય છે કે, સિંગલ્સ વુમેન્સમાં છત્તીસગઢની આકર્ષી કશ્યપે અને મેન સિંગલ્સમાં તેલંગાણાનાં સાંઈ પ્રણિતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રમતમાં પુરૂષોની મિક્સડ ડબલ્સ મહિલા ડબલ્સ, મિક્સડ ડબલ્સ (પુરૂષો અને મહિલા) અને સિંગલ્સ (પુરૂષ અને મહિલા)નો સમાવેશ થાય છે.

            આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, મ્યુ. ડે.કમિશનર સ્વાતિ દેસાઈ, બેડમિન્ટન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ઓ.ડી.શર્મા, રમતગમત વિભાગના અધિકારીઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.