ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.