ગીર સોમનાથ આઈસીડીએસ વિભાગ દ્વારા યોજાયો ભૂલકા મેળો
-----------
વાલીઓ પણ ઘરે બનાવી શકે એવા વેસ્ટમાંથી બેસ્ટ સ્વનિર્મિત ભૂલકાઓને શીખવાડવાના સાધનોનું કરાયું પ્રદર્શન
-----------
બાળકો કોમળ કળી છે જેમને ખીલતા ફૂલ બનાવવામાં આંગણવાડી બહેનોની ભારે મહેનત છે: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા
-------------
‘એબીસીડી-એબીસીડી ઘોડા દોડાવો’, ‘એક બીલાડી જાડી’, ‘વાર્તા રે વાર્તા’ જેવા જોડકણાં ગીતો પર ઝૂમી ઉઠ્યાં ભૂલકાઓ
-------------
ગીર સોમનાથ, તા. ૪: બાળકોને આંગણવાડીની સાથે ઘરે પણ વાલીઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાય તે હેતુને સિદ્ધ કરવા ગીર સોમનાથ આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને કૃષ્ણનગર કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે ભૂલકામેળો યોજાયો હતો. આ ભૂલકામેળામાં ઉપસ્થિત તમામને આંગણવાડીની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરાયા હતાં તેમજ મહાનુભાવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ ત્રણ ટીએલએમ (ટીચિંગ-લર્નિંગ મટિરિયલ)ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ તકે આંગણવાડીની બહેનોની મહેનતને બીરદાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાએ જણાવ્યું હતું કે, ’બાળક એ કોમળ કળી જેવું છે. જેને ખીલતું ફૂલ બનાવવામાં આંગણવાડી બહેનોની ભારે મહેનત છે. આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે. જેથી બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય અને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓ તરફ વળે તે જ આંગણવાડીનો હેતું છે. આ હેતુને પાર પાડવા બહેનો ખૂબ મહેનત કરી રહ્યાં છે. જેની અઢળક ખુશી છે.’
આ કાર્યક્રમમાં પૂર્વ બીજ નીગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડીએ સરકારની આંગણવાડીની વિવિધ આરોગ્ય અને પોષણલક્ષી યોજનાનો વધુમાં વધુ વાલીઓ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.
આ તકે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.મકવાણાએ ભૂલકા મેળા વિશે પ્રાથમિક સમજ આપતા સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, સુપોષણ સંવાદ, બાળતુલા દિવસ તેમજ ‘પા પા પગલી’ જેવી વિવિધ કાર્યલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.
આ ભૂલકામેળામાં બાળકો દ્વારા અભિનય ગીત, જોડકણા, બાળગીત તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતાં અને ભૂલકાઓએ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ ઉપરાંત શાકભાજી તેમજ સંતરા, દ્રાક્ષ, કેરી વગેરે ફળોની વેશભૂષા ધારણ કરી દરેકના ગુણધર્મો વિશે રસાળશૈલીમાં રજૂઆત કરી હતી. ભૂલકાઓ દ્વારા બાળગીત તેમજ જોડકણાની રજૂઆત સાંભળી ઉપસ્થિત મહેમાનો પણ મંત્રમુગ્ધ થયાં હતાં.
ભૂલકામેળામાં આંગણવાડીના બહેનો દ્વારા ‘હવાનું પ્રદૂષણ’, ’પોલીસ સ્ટેશન’, ’જંગલી પ્રાણીઓ’, ’નંદઘર’, ’વિવિધ ઋતુઓની સમજ’ જેવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવાયેલા ટીએલએમ પ્રદર્શની પણ દર્શાવાઈ હતી. જેમનું મહાનુભાવોએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યુ હતું અને તેમના આ કાર્યને બીરદાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમની આભારવિધિ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી મંજૂલાબહેન મકવાણાએ કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રસીલાબહેન વાઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ.કે.વાજા અને અલગ-અલગ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં