વડોદરા રેલવે ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મેનેજર વિરુદ્ધ માનસિક ત્રાસ અને ફેમિલી લાઈફ ડીસ્ટર્બ થતી હોવાઅંગે ડિવિઝનના 14 ઉચ્ચ અધિકારીઓ દ્વારા વેસ્ટર્ન રેલવેના જીએમ અને દિલ્હીના અધિકારીઓ તેમજ ઓફિસર યુનિયનને લેખિત રજુઆત કરતા સબંધિત વર્તુળોમાં ભારે દોડધામ મચી હતી.

ડીઆરએમ કક્ષાના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ ડિવિઝનના ગેજેટેડ અધિકારી તેવા સિનિયર ડીઓએમ અને એન્જિનિયર વિભાગના સિનિયર ડીઇએન સહિતના અધિકારીઓએ એકજૂથ થઈ લેખિત રજૂઆત કરતા વેસ્ટર્ન રેલવેના અધિકારી વડોદરા દોડી આવ્યા હતા અને તમામ સિનિયર ઓફિસરો વચ્ચે બેઠક કરાવી મામલો થાળે પાડ્યો હતો.

વડોદરા રેલવેના ડીઆરએમ અમિત ગુપ્તા વિરુદ્ધ રેલવેના ફાઇનાન્સ, ઓપરેશન હેલ્થ, સિગ્નલિંગ જેવા તમામ વિભાગના અધિકારીઓની સહી સાથે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ડીઆરએમ 24/7 કાર્યરત રહે છે અને અમારી પાસે પણ એ જ અપેક્ષા રાખે છે.
જેનાથી અમારી ફેમિલી લાઇફ ડિસ્ટર્બ થઈ રહી છે. પત્રમાં ડીઆરએમના નોટિંગનો પણ ઉલ્લેખ કરાયો છે.
મહત્વનું છે કે, ડીઆરએમ અમિત ગુપ્તા અમદાવાદ મેટ્રોમાંથી વડોદરા મૂકાયા છે. 23 જુલાઈએ લખેલા પત્રને પગલે 2 દિવસ બાદ હેડ ક્વાર્ટરના ઉચ્ચ અધિકારી વડોદરા દોડી આવ્યા છે.
અધિકારી વર્ગનું કહેવું હતું કે તેઓને પોતાનો પરિવાર છે અને નોકરીના કલાકો બાદ ફેમિલી સાથે રહેવા માંગે છે પણ સતત કામ અને માનસિક ત્રાસ આપતા તેઓ કંટાળી ગયા છે.
જોકે,બાદમાં સમાધાન કરી વ્યવહારૂ ઉકેલ લાવવામાં સફળતા મળતા મામલો થાળે પડ્યો હતો.