બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ 50000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા.

એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, વાસણ ગ્રામ પંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે કામ પુર્ણ કર્યા બાદ તે કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરીયાદીને લેવાના થતાં હતા. તે નાણાંની ચુકવણી કરવા આરોપી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાએ ફરીયાદીને કરેલ કામના દસ ટકા લેખે એટલે કે રૂા.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ આ કામના ફરિયાદીએ લાંચના નાણાં ન આપતા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી દ્વારા સરપંચને રંગેહાથ ઝડપવા માટે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યાં આજરોજ ઉપરોક્ત આરોપી હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાને ધનિયાણા ચોકડી, અંબાજી હાઇવે નજીક રૂ.૫૦૦૦૦/-ની લાંચ સ્વીકારતાની સાથે સ્થળ પર ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ઉપરોક્ત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરેલ છે.

આ સફળ કામગીરીને ટ્રેપીંગ અધિકારી એલ.એસ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એસીબી પો.સ્ટે.પાલનપુર અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ એ અંજામ આપ્યો હતો.