પૃથ્વી પર હિંદ-પ્રશાંત-એટલાન્ટિક-આર્કટિક અને દક્ષિણ એમ પાંચ મહાસાગર ઘૂઘવે છે. હવે સંશોધકોએ છઠ્ઠો મહાસાગર શોધી કાઢ્યો છે. રસપ્રદ વાત એ છે કે છઠ્ઠો મહાસાગર પૃથ્વીની સપાટીમાં નહીં, પેટાળમાં ઘૂઘવે છે.

અમેરિકા-ઈટાલી અને જર્મનીના વિજ્ઞાનિકોએ મળીને એક સંશોધનપત્ર તૈયાર કર્યું છે. પૃથ્વીના પેટાળના વિવિધ નમૂના એકઠાં કરીને આ વિજ્ઞાનિકોએ વિખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં તેના આધારે અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલમાં દાવો થયો છે કે દુનિયામાં પાંચ નહીં, પરંતુ છ મહાસાગર છે. છઠ્ઠો મહાસાગર પૃથ્વીના પેટાળમાં આવેલો છે. એ નરી આંખે જોવા મળતો નથી, પરંતુ પૃથ્વીની સપાટી ઉપર ઘૂઘવતા પાંચ મહાસાગરો જેટલો જ વિશાળ અને શક્તિશાળી આ મહાસાગર પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તર વચ્ચે ઘૂઘવે છે.

નવા સંશોધન પ્રમાણે પૃથ્વીની સપાટીથી 660 કિલોમીટર ઊંડાણમાં બરાબર મધ્યભાગમાં ઉપલા અને નીચલા સ્તરની વચ્ચે ચારેબાજુ ખડકોથી ઘેરાયેલો એક મહાસાગર છે. એ સ્થળને સંશોધકો ટ્રાન્ઝિશન ઝોન કહે છે. એ જગ્યા પૃથ્વીના ઉપલા હિસ્સાને નીચલા હિસ્સાથી અલગ કરે છે. બોટ્સવાનામાંથી મળેલા એક હીરાના આધારે સંશોધકોએ ઊંડું સંશોધન કરીને આ તારણ રજૂ કર્યું હતું.

૧૯મી સદીના વિખ્યાત ફ્રેન્ચ નવલકથાકાર જુલે વર્ને ૧૮૬૪માં ધ સેન્ટર ઓફ ધ અર્થ નામની સાહસકથામાં પૃથ્વીના પેટાળમાં સમુદ્ર હોવાની કલ્પના કરી હતી.