ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખા દ્વારા "બાલિકા પૂજન" કાર્યક્રમ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંની મન,કર્મ અને વચનથી ઉપાસના થઈ રહી છે ત્યારે આખાય જન સમુદાયમાં ધર્મસભર ભક્તિમય વાતાવરણ ખડું થયેલું જોવા મળે છે.કોઈ ઉપવાસ કરે,કોઈ ઉપાસના કરે,કોઈ ગાઈને,કોઈ એક ટાઈમ ખાઈને,કોઈ ચાચર ચોકમાં રમીને તો કોઈ ફળાહાર જમીને નવદુર્ગાની નવલી નવરાતમાં ભક્તિ કરી રહ્યા છે ત્યારે રાધનપુર શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા "બાલિકા પૂજન"એક નવતર ઉપાસના કરવામાં આવી.શહેરના પડખે આવેલ સાવ નાનકડા ગોકુળપૂરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નાની નાની બાલિકાઓનું વેદોક્ત મંતત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવ્યું ત્યારે આખું વાતાવરણ જાણે વૈદિક યુગ જેવું થઈ ગયું હતું.ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખાના આદરણીય પ્રમુખશ્રી અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુરના પ્રિન્સીપાલશ્રી ડૉ.સી.એમ ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ આજનો આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. નવદુર્ગાના સ્વરૂપ સમાન નવ નવ બાલિકાઓને ઊંચા આસન ઉપર બેસાડી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે એમના જમના પગનું કુમ કુમ તિલક,ચોખા અને પુષ્પ દ્વારા પૂજન કરી ઉચિત ભેટ આપવામાં આવી હતી.આશરે 45 જેટલી બલોકાઓને નવ નવના સ્થાને બેસાડી માનભેર આ ઉત્સવ ઉજવાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ડૉ.સી.એમ ઠક્કર સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી ઉપાસના પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી ભારતીય સંસ્કૃતિને વંદન કર્યાં હતાં. ડૉ.સુરેશ ઓઝાએ પણ ભારતની સંસ્કારિતા અને સહજતા વિશે સારી એવી છણાવટ કરી હતી.ભારત વિકાસ પરિષદના સક્રિય બહેનોમાંથી અલકાબહેન,ધરતીબહેન, બિનાબહેન,મનીષાબહેન, ઉર્વશીબહેન વગેરે બહેનોએ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી " यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवता: ll " વાક્ય પંક્તિને સાર્થક કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મેહુલ જોષીએ કર્યું હતું.શાળાના આચાર્ય રણછોડજી તથા વિનોદભાઈ પ્રજાપતિએ સારો સહયોગ આપ્યો હતો.