પોલીસ પરિવારની ગરબીમાં હકાભા ગઢવી, સોનલબેન ઠાકોર સહિતના કલાકારોએ ખેલૈયાઓએને મન મુકીને રાસ ગરબે રમાડ્યાં
સરા રોડ ઉપર આવેલી આલાપ ટાઉનશીપની ગરબી અને સિદ્ધનાથ પાર્કમાં તમામ સમાજ આયોજિત ગરબીમાં નાની-મોટી દીકરીઓએ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરી
હળવદ પંથકની તમામ પ્રાચીન ગરબીમાં માતાજીની ભક્તિનો રંગ ઘુંટાતો જાય છે. ત્યારે પ્રજાની જાનમાલની રક્ષા કરતા તેમજ હાલ નવરાત્રી મહોત્સવની દરેક ગરબીમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની ફરજ નિષ્ઠા યોગ્ય રીતે નિભાવવાની સાથે-સાથે માતાજીની ભક્તિ પણ કરવામાં આવી રહી છે. હળવદ શહેરમાં પોલીસ લાઈન ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમી રહ્યા છે.ત્યારે ગઈકાલે રાત્રે પાંચમા નોરતે પોલીસ પરિવાર આયોજિત આ ગરબીમાં હકાભા ગઢવી, સોનલબેન ઠાકોર સહિતના કલાકારોએ ભારે રંગત જમાવી હતી. આથી મોટી સંખ્યામાં આ કલાકારોના સુર અને સંગીતના સથવારે ખેલૈયાઓ રાસ ગરબા મન મૂકી રમ્યા હતા. હળવદ પોલીસ અધિકારી એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા નવરાત્રી દરમિયાન સમગ્ર શહેરની સુરક્ષા સાથે આ ભવ્ય ગરબીનું આયોજન કરીને માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે.
જ્યારે હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમી રહ્યા છે.ત્યારે આ પ્રાચીન ગરબીમાં નાની-મોટી દીકરીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે.
ઉપરાંત હળવદ શહેરમાં આવેલા સિદ્ધનાથપાર્કમાં વર્ષોથી તમામ સમાજના લોકો હળીમળીને રહેતા હોય અને માતાજીની આ ભક્તિના પર્વ નવરાત્રી મહોત્સવમાં વર્ષોની પરંપરા મુજબ તમામ સમાજ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ દીકરીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. અહિયાં રહેતા જાણીતા ભજનિક કલાકાર જયમંતભાઈ દવે સહિતનાઓ દ્વારા આ પ્રાચીન ગરબીનું આયોજન કર્યું હોય ગઈકાલે પાંચમા નોરતે દીકરીઓએ અહીંયા રાસ ગરબાની રંગત જમાવજ માતાજીની આરાધના કરી હતી. __ રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ