બોટાદઃ શહેરના તુરખા રોડ વિસ્તારમાં સાત-આઠ વર્ષ અગાઉ સમળીયા હનુમાનજી મંદિર સુધીમાં એકપણ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન થતું ન હતું. બોટાદવાસીઓ માત્ર શેરી ગરબાઓથી નવ રાત સુધી માતાજીના શકિત સ્વરૂપની આરાધનાનો કરતા હતા. કેટલાક સુખી સંપન્ન લોકો પાર્ટી પ્લોટમાં જઈને નવરાત્રીનાં આનંદ માણતા હતા.પરંતુ મધ્યમ અને સામાન્ય પરિવારના બહેનોને આર્થિક સંકળામણ, ટ્રેડિશનલ ડ્રેસ અને સામાજિક બંધનોને કારણે પાર્ટી પ્લોટમાં જવું શક્ય ન હતું.આ સમયે તુરખા રોડ ઉપર આવેલ ગોપાલનગરના જય અંબે યુવક મિત્ર મંડળના સભ્યોને મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનોને હેરાનગતિ ન થાય એના માટે પોતાના વિસ્તાર ગોપાલનગરમાં જ પાર્ટી પ્લોટ જેવી મોટી ગરબી કરવાનો વિચાર આવ્યો. વર્ષ:૨૦૧૩-૧૪ થી આજદિન સુધી બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને બે-તાળી,ત્રણ તાળી, રાસ, હિંચ વગેરે પ્રકારના ગરબાઓ લેવામાં આવે છે. ૧૫૦૦થી ૨૦૦૦ બહેનો એકસાથે મેદાનમાં રાસ લઈ શકે અને ૨૦૦૦ કરતા વધારે ભાઈઓ-બહેનો બહારથી રાસને નિહાળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઓરકેસ્ટ્રા ગ્રુપના સથવારે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ના તાલે નાની બાળાઓ અને મહિલા ગરબે રમ્યા હતા.