પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન સહિત છ સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે જેમાં મ્યુનીસીપલ કમીશ્નરે એવો હુકમ કર્યો છે કે બહુમતિના જોરે ઠરાવ કરી નામંજૂર અભિપ્રાયને અવગણીને બાંધકામની પરવાનગી આપી હોવાની ફરિયાદ થતા હોદા પરથી શા માટે દૂર ન કરવા? તેની સુનવણી ત્રીજી નવેમ્બરે થશે. ત્યારે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, પોરબંદર નગરપાલિકાના પદાધીકારીઓના ભ્રષ્ટાચારનો ભાંડો અંતે ફુટયો છે. ત્યારે સતાધીશોની મિલ્કતોની પણ તપાસ કરવી જરૂરી બની છે.
પ્રદેશ કોંગે્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગે્રસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપશાસિત નગરપાલીકા ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે અને તેથી જ ગાંધીનગરથી મ્યુનીસીપાલ એડમીનીસ્ટ્રેશન કમીશ્નર દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ કાર્યવાહી કરવા અંગે ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન કેશુભાઇ સવદાસભાઇ બોખીરીયા અને પાંચ સભ્યો મધુબેન સતીષભાઇ જોશી, ગંગાબેન નાનજીભાઇ કાણકીયા, લાભુબેન માધવજીભાઇ મકવાણા, હાર્દિક મુકુંદભાઇ લાખાણી અને પાયલબેન અજયભાઇ બાપોદરાને કારણદર્શક નોટીસ પાઠવામાં આવી છે અને ખુલાસો કરવા જણાવ્યું છે.
કરોડો રૂપિયાની કટકીનો આક્ષેપ
પોરબંદર જીલ્લા કોંગ્રેસના સમિતીના પ્રમુખ રામભાઈ મેપાભાઈ ઓડેદરા, પોરબંદર શહેર કોંગ્રેસ સમિતીના પ્રખુમ અતુલભાઈ કારીયા, પોરબંદર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર અને પોરબંદર નગરપાલીકાના વિરોધપક્ષના ઈન્ચાર્જ નેતા ફારૂકભાઈ સૂર્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વમંત્રી રામદેવભાઈ મોઢવાડીયાએ એક નિવદેનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આખા ગુજરાતમાં રહેણાંક હેતુના મકાન અને રહેણાંક હેતુમાટે મોટા રૂપિયા લેવાઇ રહ્યા છે. રહેણાંક હેતુના ફલેટમાં 1 ફલેટના 50,000 રૂા. અને રહેણાંક હેતુ માટે નાના લોકોના પ્રધાનમંત્રીની અર્ફોડેબલ મકાનોમાં 30,000 રૂા. ની કટકી કરીને પોરબંદરની પ્રજાના કરોડો રૂપિયા ભેગા કરેલ છે તેવો ગંભીર આક્ષેપ કરીને તેઓની મિલ્કતની તપાસની માંગણી કરતા જણાવ્યું છે કે, ટાઉન પ્લાનીંગ કમીટીની કટકી ફલેટ અને અર્ફોડેબલ બ્લોક ખરીદનાર લાભાર્થીઓની કેડમાં આવે છે. ટાઉન પ્લાનીંગ કમીટીની કટકીમાંથી આગેવાનોના નવા બંગલાઓ, ફલેટો અને ફાર્મ હાઉસો બન્યા છે. નગરપાલીકાના પ્રમુખે પોતે ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટેની બહુમાળી યોજના બનાવેલ છે કે કેમ ? તેની તપાસ કરીને જેમાં ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓ જયારે થશે ત્યારે મધ્યમ વર્ગના ખરીદનાર ફલેટ ધારકો મુશ્કેલીમાં મુકાશે. રાજય સરકારને અપીલ છે કે પોરબંદરની પ્રજાના હિતમાં આખી ટાઉન પ્લાનીંગ કમીટીને ગેરકાયદેસર ઠરાવવાની પ્રક્રિયા ઝડપી કરીને આખા રાજયમાં પારદર્શીકાનો દાખલો બેસાડવામાં આવે. આ બાબતે જો ત્વરીત કાર્યવાહી નહી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે એમ અંતમાં રામભાઈ ઓડેદરા, અતુલભાઈ કારીયા, ધર્મેશભાઈ પરમાર, ફારૂકભાઈ સૂર્યા અને રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યુું હતું
નોટીસમાં અનેક ઉલ્લેખ
નોટીસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, પોરબંદર નગરપાલિકાની આયોજન સમિતિની મીટીંગોમાં વિકાસ પરવાનગીના પ્રકરણોમાં ચીફ ઓફીસર અને નગર નિયોજકના નામંજુરના અભિપ્રાય તેમજ કાયદા, નિયમો અને વિનિયમોની જોગવાઇ વિરુધ્ધ ચૂંટાયેલા સભ્યો દ્વારા બહુમતિના જોરે ઠરાવ કરી અને ચેરમેનની સહીથી પરવાનગી આપવામાં આવેલ હોવાથી તમારી વિરુધ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ પગલા લેવા પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ રાજકોટના તા. 5-9-22ના પત્રથી નીચેની વિગતે અહેવાલ આપવામાં આવેલ છે.
પોરબંદર છાયા નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં. 1, તા. 6-4-2021 દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976ની કલમ 6 હેઠળ રચાયેલી આયોજન સમિતિ દ્વારા કલમ-74માં નિર્દિષ્ટ કરેલ સત્તા અને કાર્યો અન્વયે આયોજન સમિતિની બેઠકોમાં પરવાનગીના પ્રકરણોમાં ચૂંટાયેલ સભ્યો દ્વારા કાયદા, નિયમો, અને વિનિયમોની જોગવાઇ વિરૂધ્ધ તેમજ ચીફ ઓફીસર અને નગર નિયોજકના નામંજુરના અભિપ્રાયને અવગણીને ફકત બહુમતીના જોરે ઠરાવ કરી વિકાસ પરવાનગીઓ મંજૂર કરી મંજુર થયેલ પરવાનગીઓ ચેરમેનની સહીથી આપવામાં આવેલ છે.
ઉપરોકત હકીકત જોતા તમારી વિરૂધ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ -37(1) હેઠળ પગલા લઇને તમોને નગરપાલિકાના સભ્યપદેથી દૂર કેમ ન કરવા? જે અન્વયે કારણદર્શક નોટીસની આગામી સુનાવણી તા. 3-11-22ના રોજ 15-30 કલાકે નિયત કરવામાં આવેલ છે. તો સુનાવણી સમયે જાતે અગર અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહી જે કંઇ રજુઆત કરવા માંગતા હોય તો રજુઆત કરવાનું જણાવવામાં આવે છે. નિયત મુદ્તે હાજર રહીને જો કોઇ જવાબ કરવામાં આવશે નહીં તો આ અંગે આપને કંઇ કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેશો. તેમજ આ અંગે વધારામાં રેકર્ડની નકલોની જરૂર હોય તો જરૂરી ફી ભરેથી પૂરી પાડવા ચીફ ઓફિસર પોરબંદરને અધિકૃત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
ટેકનીકલ અભિપ્રાય વિરુધ્ધ ભ્રષ્ટાચાર આચરીને 146 ઠરાવ કર્યાનો આક્ષેપ
પ્રદેશ કોંગે્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગે્રસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પાલીકાના સતાધીશોએ ટેકનીકલ અભિપ્રાય વિરુધ્ધ ભ્રષ્ટાચાર આચરીને 146 ઠરાવ કર્યા છે. કારણ કે પાઠવેલી નોટીસમાં જણાવ્યું છે કે, રાજકોટ ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમીશ્નર દ્વારા જણાવાયું હતું કે નિયમોની જોગવાઇઓ વિરુધ્ધ તથા નગર નિયોજક અને ચીફ ઓફિસરના નામંજુર અભિપ્રાયને અવગણીને ફકત બહુમતિના જોરે ઠરાવ પસાર કરી વિકાસની પરવાનગી મંજુર કરવામાં આવે છે જેમાં તા. 19-5-21ના 154 ઠરાવમાંથી ટેકનીકલ અભિપ્રાય વિરુધ્ધ 122 ઠરાવો પસાર થયા હતા. તા. 2-8-21ના 51માંથી 42, તા.6-9-21ના 73માંથી 60, તા. 29-10-21ના 53માંથી 49 અને તા. 13-1-22ના 114માંથી 99 તથા તા. 5-5-22ના 176માંથી 146 ઠરાવ ટેકનીકલ અભિપ્રાય વિરુધ્ધ પસાર થયા હતા. દરેક બેઠક બાદ રીવીઝનમાં લેવા માટે કલેકટરને દરખાસ્ત કરવામાં આવે છે. જે બેઠકમાં નિયમ વિરુધ્ધના ઠરાવો સામે કલેકટર દ્વારા હુકમ કરીને નિયમ વિરુધ્ધના ઠરાવનો અમલ મોકુફ રાખવા અને કામની શરૂઆત પહેલા જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં પુન: સ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવે છે તેમજ આ અંગે ટી.પી. કમિટીના ચેરમેન કેશુભાઇ બોખીરીયા તથા સભ્યોને ગેરલાયક ઠરાવવા થયેલી માંગ અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેથી ભાજપશાસિત નગરપાલીકાના અમુક સતાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેમ રામદેવભાઈ મોઢવાડીયાએ અંતે ઉમેર્યું હતું.
પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન સહિત છ સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/10/nerity_753475686ccc0a684fcc70556b1f0554.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)