પાવીજેતપુર તાલુકાના મેસરા ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ, મંત્રી દ્વારા ૮ જેટલા ખતાઓમાંથી દૂધ ભરતા ગ્રાહકોને જાણ બહાર ૨,૩૫,૫૬૨/- રૂપિયા બારોબાર ઉપાડી લેવાની ફરિયાદ સાથે ત્રણ વર્ષના ઓડિટની માંગ કરતી જિલ્લા રજીસ્ટ્રાર માં રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના મેસરા ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ શંકરભાઈ ખાતરભાઈ રાઠવા, મંત્રી નટવરભાઈ જેઠાભાઇ રાઠવા ઉપર ગામના જ દૂધ ભરતા ગ્રાહકો વિશ્વાસ રાખી પોતાના બેંકના ખાતા તેમજ બેંકની ચોપડીઓ તેઓ પાસે જ રાખેલ હોય તેમ જ બેંકમાંથી ઉપાડીને ગ્રાહકોને પૈસા આપવાની ઓથોરિટી ગ્રાહકોએ વિશ્વાસ રાખી આપેલ હતી પરંતુ સાધારણ સભા પ્રમુખની ગેરહાજરીમાં મંત્રી ભરી દેતા ગામ લોકોએ તેનો વિરોધ કર્યો હતો ત્યારે મંત્રીએ ઉડાવ જવાબ આપ્યો હતો. ઉડાઉ જવાબ મળતા બધા ગ્રાહકોએ મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ૨૯/૦૮/૨૦૨૨ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર છોટાઉદેપુર તથા અલ્હાદપુરા શીતકેન્દ્ર બોડેલી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને બે સુપરવાઇઝર અલ્હાદપુરા શીત કેન્દ્રમાંથી આવ્યા હતા પરંતુ તેઓ પણ સબ સલામત હે કરીને જતા રહ્યા હતા.
ગામ લોકોએ ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંકના ખાતાની માહિતી મંત્રી પાસેથી માંગેલ તો તેમને ખાતા નંબર આપેલ અને એ ખાતા નંબરના આધારે બેંકમાં જઈ તપાસ કરતા નગીનભાઈ હઢુભાઈ રાઠવાના ખાતામાંથી ૨૪,૯૯૩/-, નારસિંગભાઈ ભલુભાઈ ના ખાતામાંથી ૨૧,૧૧૦/- , દિલીપભાઈ અરવિંદભાઈ રાઠવાના ખાતામાંથી ૨૧,૩૦૦, માધુભાઈ જનુભાઈ રાઠવાના ખાતામાંથી ૨૪,૩૮૪/- તેમજ ૨૧,૪૭૦/-, જીવનભાઈ બલસિંગભાઈ રાઠવાના ખાતામાંથી ૨૫ હજાર તેમજ ૨૫,૬૩૪/-, કુંતાબેન કનુભાઈ રાઠવાના ખાતામાંથી ૨૫,૦૦૦/-, ભીમાભાઇ ચુનાભાઇ રાઠવાના ખાતામાંથી ૨૪,૯૮૧/-, ખુમાનભાઈ રાયસીંગભાઇ રાઠવાના ખાતામાંથી ૨૧,૬૯૦/- મળી કુલ આઠ ખાતાઓ માંથી ₹૩૫,૫૬૨/- રૂપિયા જેટલી રકમ ખાતાદારોના જાણ બહાર ઉપાડી લેવામાં આવી હતી.
આમ પ્રમુખ, મંત્રીએ મેસરાવાસીઓ ને આજ દિન સુધી આ ઉપાડેલા રૂપિયા આપેલ નથી. ગ્રાહકોના જણાવ્યા મુજબ પ્રમુખ અને મંત્રીએ તેઓની ઓથોરિટીનો દૂર ઉપયોગ કરી ખાતામાં રૂપિયા જમા કરીને ઉપાડી લીધેલ છે. ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી ચીટીંગ કરેલ છે. ગ્રાહકોએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે પ્રમુખ મંત્રીએ આ રૂપિયા અમારા ખાતામાં કેમ જમા કરાવ્યા હતા તે આજ સુધી જણાવેલ નથી. તેમજ બોનસ ના રૂપિયા રોકડા આપતા હતા તે પણ તેઓની મનસુફીના આધારે આપતા હતા. આ રૂપિયા જે ગ્રાહકોના ખાતામાં હતા તે પગાર કે બોનસ ન હતા આ રૂપિયા સાથે દૂધ મંડળીના ગ્રાહકોને કોઈ લેવાદેવા નથી. પરંતુ ગ્રાહકોના ખાતામાં પ્રમુખ અને મંત્રીએ મંડળીના રૂપિયા ટ્રાન્સફર કરીને ઉપાડી લઈને મંડળીના રૂપિયાનો દુરુપયોગ કરી ઉચાપત કરેલા હોવાનું જણાય આવતા ગ્રાહકોએ જિલ્લા રજીસ્ટારને રજૂઆત કરી ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી તેમજ ૨૦૨૨ નું સ્પેશિયલ ઓડિટ ની માંગ કરી છે.
આમ, પ્રમુખ મંત્રી દુધ ભરતા ગ્રાહકો સાથે તથા મંડળી સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરેલ છે. લોન ના હપ્તા ભરેલ જેમાં પણ ગડબડ ગોટાળા કરેલ છે. મંડળી ના હિસાબમાં પણ ગોટાળા કરેલ હોય અને રૂપિયાની ઉંચાપત કરેલ હોય, તેથી તેમના વિરુદ્ધ યોગ્ય તપાસ કરીને મંત્રીને પ્રમુખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવની માંગ સાથેની ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવી છે.