પોરબંદરનું પ્રવાસન ક્ષેત્ર વિકાસથી વંચિત કેમ ?
વિશ્વ પ્રવાસન દિવસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે જેસીઆઈની રજુઆત

પોરબંદર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ ઉપરાંત વિશ્વમાં મિત્રતાના અજોડ ઉદાહરણ સમાન કૃષ્ણ સખા સુદામાની પણ ભૂમિ અને વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પણ કર્મ ભૂમિ. આમ આપણું પોરબંદર દેશ અને દુનિયામાં જાણીતું છે. 
આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે પોરબંદરના પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ તો પોરબંદરની ધરતીમાં પ્રવાસન સ્થળોને લઈ વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં ક્ષમતા રહેલી છે પરંતુ પોરબંદર વિસ્તારના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સરકારની ઉદાસીનતાના કારણે પોરબંદરનું પ્રવાસન ક્ષેત્ર મરણ પથારીએ પડ્યું છે. 

◆દરિયો, પર્વત અને રણ એક સાથે :
 સામાન્ય રીતે દરિયો, પર્વત અને રણ પ્રદેશ એકી સાથે ક્યાંય જોવા મળતા નથી હોતા પરંતુ પોરબંદર એક એવો પ્રદેશ છે કે ત્યાં અનેક કથાઓ અને ઇતિહાસ સાચવીને બેઠેલો બરડો ડુંગર,  પોરબંદરને ખોળામાં લઈને ઘૂઘવતો સમુદ્ર અને પક્ષીઓના કલરવ રેલાવતું મોકરસાગર જેવું વેટલેન્ડ આમ એક સાથે ત્રણ ત્રણ ભૌગોલિક પ્રકૃતિ આપતો આપણો પ્રદેશ પ્રવાસનનો વિકાસ ઝંખે છે. 

◆ મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ જર્જરિત 
પોરબંદર મહાત્મા ગાંધીની જન્મ ભૂમિના કારણે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ પોરબંદર આવે છે, પરંતુ પોરબંદર કીર્તિ મંદિર પાસે આવેલ પૂજ્ય બાપુનું જન્મ સ્થળનું મકાન છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હોવાનું કારણ બતાવીને તાળા મારી દેવામાં આવ્યા છે જેના કારણે દૂર દૂરથી આવેલ પ્રવાસીઓ પૂજ્ય બાપુના જન્મ સ્થળ જોયા વગર નારાજ થઈને પરત ફરે છે. 
◆ ધર્મશાળાના અભાવે પ્રવાસીઓ રાત્રી રોકાણ કરતા નથી. 
પોરબંદર શહેરમાં કોઈપણ ધર્મશાળા અથવા સરકાર દ્વારા વ્યાજબી ભાડાથી રોકાવાની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે મોટાભાગના પ્રવાસીઓ પોરબંદરની ઊડતી મુલાકાત લઈ દ્વારકા અથવા સોમનાથ રોકાવાનું વધુ પસંદ કરે છે જેના કારણે પોરબંદરના પ્રવાસન અને વ્યાપાર ઉધોગને પણ કોઈ લાભ મળતો નથી. 
◆ પોરબંદરના પ્રવાસન સ્થળોની માહિતી અને ગાઈડનો અભાવ. 
બહારથી આવતા પ્રવાસીઓને પોરબંદરની આસપાસના પ્રવાસન સ્થળોની માહિતી મળી રહે તેવી કોઈ જ વ્યવસ્થા નથી આ ઉપરાંત સરકાર દ્વારા કોઈ ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે પોરબંદર આવતા પ્રવાસીઓ માત્ર કીર્તિ મંદિર, સુદામા મંદિર અને ચોપાટીની વિઝીટ કરી નીકળી જાય છે. 
◆ હાઇવે ઉપર પ્રવાસન સ્થળોની માહિતી માટે હોર્ડિંગ્સ લગાવો :
પોરબંદર તરફ આવતા તમામ હાઇવે ઉપર પોરબંદરની આસપાસના તમામ પર્યટન સ્થળોની માહિતી દર્શાવતા હોર્ડિંગ્સ લગાવવામાં આવે તો રોડ પરથી પસાર થતા પ્રવાસીઓ આ વિગતોથી જાણકારી મેળવી અને એ પ્રવાસન સ્થળોની વિઝીટ કરી શકે. 
◆ એરપોર્ટ તાત્કાલીક ચાલુ કરવામાં આવે: 
પોરબંદર ખાતે સુંદર એરપોર્ટ આવેલ છે પરંતુ હાલ એક પણ ફ્લાઇટ ચાલી રહી નથી જેથી હવાઈ માર્ગે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, આથી પોરબંદરના એરપોર્ટ પર તાત્કાલિક વિમાની સેવા શરૂ કરવામાં આવે તેવી રજુઆત છે. 
◆ પોરબંદરની ચારે તરફ પ્રવાસન સ્થળોનો વિકાસ થયો તો પોરબંદરની બાદબાકી કેમ !!!???
પોરબંદર જિલ્લાના ફરતે જેમ કે દ્વારકા , સોમનાથ, સાસણ, જૂનાગઢ વગેરે પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો તો પોરબંદરની ધરતીમાં ધરબાયેલ ઇતિહાસ અને ભૌગોલિક પ્રાકૃતિક વાતાવરણ અને સ્થળોની ક્ષમતા હોવા છતાં સરકાર દ્વારા કેમ ઉદાસીનતા સેવાઇ રહી છે તેવો સવાલ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ ઉઠાવી આજે વિશ્વ પ્રવાસન દિવસે પોરબંદરના પ્રવાસન ક્ષેત્રોમાં વિકાસ માટે રાજ્ય સરકારને સમગ પોરબંદરની જનતા વતી રજુઆત કરી છે.