ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્પેક્ટ્રમ હરાજી આજે પૂર્ણ થઈ. સતત 7 દિવસ ચાલેલી આ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ.1.5 લાખ કરોડથી વધુ મૂલ્યના 5G દૂરસંચાર સ્પેક્ટ્રમની રેકોર્ડ બોલી લગાવવામાં આવી.

અત્યાર સુધીની સૌથી મોટી ગણવામાં આવતી આ હરાજીમાં અરબપતિ ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીની કંપની jioએ અત્યાર સુધીની સૌથી મોટી બોલી લગાવી. જાણવા મળ્યા મુજબ આ બોલી 1,50,173 કરોડ રૂપિયાની લગાવાઈ છે.

સરકાર માટે 4Gની સરખામણીએ 5Gની કમાણી ડબલ
હાઇસ્પીડ ઇન્ટરનેટ માટે 5G સ્પેક્ટ્રમની હરાજીની રકમ ગતવર્ષ 4Gની મળવાપાત્ર રકમ 77,815 કરોડ રૂપિયાથી લગભગ ડબલ છે, તો 2010માં મૂકવામાં આવેલા 3Gની રકમ 50,968.37 કરોડથી ત્રણ ગણી થવા જાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, 4Gની સરખામણીએ 5Gમાં 10 ગણી ઇન્ટરનેટ સ્પીડની સેવા ઉપલબ્ધ થશે. રિલાયન્સ jioએ 5G સ્પેક્ટ્રમ રેડિયો ફ્રિકવન્સી માટે સૌથી મોટી બોલી લગાવી, તો તેના બાદ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા લિમિટેડે સ્થાન લીધું છે.


એક રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રૂપે ખાનગી દૂરસંચાર નેટવર્ક સ્થાપિત કરવા માટે 26 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. જો કે આ કંપની દ્વારા કેટલા સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યા તેની જાણકારી હરાજીના આંકડા પૂરી રીતે જાણ્યા બાદ જ જાણી શકાશે. સરકાર દ્વારા 10 બેન્ડ સ્પેક્ટ્રમની ઓફર કરી હતી, પરંતુ 600 મેગાહર્ટ્સ, 800 મેગાહર્ટ્સ અને 2300 મેગાહર્ટ્સ બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે કોઈ બોલી લગાવવામાં આવી નથી.