ઓટોમોબાઇલ્સ ઉદ્યોગને નવરાત્રિ ફળી:
લોકોએ મન મૂકીને વાહનોની ખરીદી કરી
1.54 કરોડના 170 બાઇક, 9.50 કરોડના
98 ફોર વ્હિલ, 58 લાખના 15 ટ્રેકટરની
પ્રથમ નોરતે ડિલેવરી કરાઇ
કોરોનાના કારણે દેશનું અર્થતંત્ર વિખેરાઇ ગયું
હતું. જોકે, હવે કોરોનાની વિદાય બાદ દેશ ફરી
આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યો છે. ત્યારે જૂનાગઢ
પણ હવે આર્થિક સમૃદ્ધિ તરફ જઇ રહ્યું હોય
તેમ જણાઇ રહ્યું છે. કોરોનાની વિદાય બાદ
ધંધા, રોજગારની સ્થિતીમાં જબરજસ્ત સુધારો
થતા લોકોની આર્થિક સ્થિતી મજબૂત બની છે.
પરિણામે લોકો હવે વાહનોની ખરીદી કરી રહ્યા
છે. એમાં પણ નવરાત્રિના પ્રથમ નોરતાના પવિત્ર
દિવસે વાહન વસાવવાની મોટાભાગના લોકોની
ઇચ્છા હોય જૂનાગઢ શહેરમાં નોરતાના પ્રથમ
દિવસે 11.62 કરોડના વાહનો વેંચાયા છે. આમાં
ખાસ કરીને લોકોએ 9.50 કરોડના ખર્ચે 98
ફોરવ્હિલ, 1.54 કરોડની 170 બાઇક તેમજ
58 લાખની કિમતના 15 ટ્રેકટર વસાવ્યા છે.
આમ, એક જ દિવસમાં કુલ 11,62,00,000ના
વાહનોનું વેંચાણ થતા ઓટો મોબાઇલ ઉદ્યોગને
નવરાત્રિનું પર્વ ફળ્યું છે. વ્હેલી સવારથી જ
વાહનોના શોરૂમમાં ગ્રાહકોની ભીડ રહી હતી તે
મોડી સાંજ સુધી જોવા મળી હતી.
કોના કેટલા ટુવ્હિલ વેંચાયા?
હિરો કંપનીના 100 બાઇક, હોન્ડા કંપનીના
50 બાઇક અને સુઝુકી કંપનીના 20 બાઇકનું
નોરતાના પ્રથમ દિવસે વેંચાણ થયું હતું.
કઇ કંપનીની કેટલી કાર વેંચાઇ?
ટાટા કંપનીની 23, હુન્ડાઇની 22, નેક્ષા કંપનીની
12, સુઝુકીની 37 અને ટોયોટાની 4 કારનું
વેંચાણ થયું છે. કઇ કંપનીના કેટલા ટ્રેકટર વેંચાયા ?
મહિન્દ્રા કંપનીના 5, વીએસટીના 10 ટ્રેકટર
વેંચાયા છે.આમ, ખેડૂત વર્ગે પણ ખેતીમાં
ઉપયોગી થાય તે માટે ટ્રેકટરની ખરીદી
કરી હતી.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ