સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યાનો બનાવ બન્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણી સમયથી નાના-મોટા ઝઘડાઓ ચાલી રહ્યા હતા જેનું મનદુઃખ રાખીને યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરી નાખવામાં આવી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. દેવચરાડી ગામે રાત્રિ દરમિયાન જગદીશભાઈ પરમાર નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.ગત રાત્રી દરમિયાન દેવચરાડી ગામે સામાન્ય બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હાલ દેવચરાડી ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસસોજી પોલીસ તથા સ્થાનિક પોલીસ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દેવચરાડી ગામમાં શાંતિ જળવાઇ રહે તેવો પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.યુવકની હત્યાના પગલે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જ્યાં ડોક્ટર ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કર્યું હતું. જોકે, જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાઇ ત્યા સુધી લાશ ન સ્વીકારવાનો ઇન્કાર પરિવારજનોએ કર્યો છે. આ ઘટનામાં અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.દેવચરાડી ગામમાં બે સમાજના લોકો રાત્રિ દરમિયાન સામસામે આવી ગયા હતા. જેમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત યુવક મનીષભાઈની પણ હાલત ગંભીર હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. ઇજાગ્રસ્ત યુવકને પણ ઢોર માર્યો છે જેથી તેને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાનથી બે સમાજ વચ્ચે માથાકૂટ થતી હતી. અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવાર સામાન્ય સીટ ઉપરથી વિજેતા બની હતી અને સરપંચ બનવાની માથાકૂટ તે વખતથી ચાલી આવતી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. સરપંચની ચૂંટણી સમયથી બે સમાજ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થતી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થતી હતી.ગત રાત્રી દરમિયાન દેવચરાડી ગામે યુવક જગદીશભાઈ પરમારની હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરવામાં આવી છે. ત્યારે સરપંચની ચૂંટણી સમયથી સામાન્ય બાબતે બે સમાજના લોકો વચ્ચે બોલાચારી થતી હતી અને ઝઘડાઓ થતા હતા. વારંવાર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં ન આવ્યાં હોવાના આક્ષેપ સાથે ગામમાં બોર્ડ મૂકવામાં આવ્યા છે. યુવકની હત્યા બાદ આજે ધ્રાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ધ્રાંગધ્રા સજ્જડ બંધ પણ રહ્યું છે. ધાંગધ્રાની મુખ્ય બજારો વહેલી સવારથી બંધ રહી છે. શાળા-કોલેજો, હોસ્પિટલ તથા મેડિકલ સુવિધાઓ શરૂ રાખવામાં આવી છે. પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી નથી. ત્યારે ધ્રાંગધ્રા સજજડ બંધ રહ્યું છે અને ધ્રાંગધ્રામાં મુખ્ય બજારોમાં બોર્ડ પર મૂકી દેવામાં આવ્યા છે કે, જ્યાં સુધી આરોપીઓને પોલીસની ઝડપે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે.