માનવી ચંદ્ર પર પહોંચી ચૂકયો છે અને શ્રાપ-અભિશાપ શબ્દ કે તે પ્રકારની વાતોમાં વિશ્વાસ ન કરનાર વર્ગ પણ છે. પરંતુ દુનિયામાં એક વર્ગના લોકો એવા પણ છે કે જે આ પ્રકારની વાતોમાં વિશ્વાસ કરે છે. રાજસ્થાનમાં આવેલા એક ગામને ૭૦૦ વર્ષોથી શ્રાપિત માનવામાં આવે છે. આ શ્રાપના કારણે ગામમાં કોઇપણ વ્યકિત બે માળનું મકાન બનાવતો નથી.
રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં સરદાર શહેર તહસીલમાં આવેલા ઉડસર ગામની આ વાત છે. કહેવાય છે કે છેલ્લા ૭૦૦ વર્ષોથી ગામ શ્રાપ વેઠી રહ્યો છે. ૭૦૦ વર્ષ અગાઉ ગામમાં ભોમિયા નામનો વ્યકિત રહેતો હતો. એકવખત ગામમાં ચોરો ઘૂસી ગયા અને પશુઓની ચોરી કરીને ભાગતા હતા. આ જોઇને ભોમિયાએ ચોરોને પડકાર કર્યો. આથી ચોરોએ ભોમિયા પર હૂમલો કર્યો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભોમિયો ભાગતા ભાગતા પોતાની સાસરીમાં પહોંચીને બીજા માળે સંતાઇ ગયો.
ભોમિયાને શોધતા શોધતા ચોર ત્યાં પહોંચી ગયા અને પરિવારજનો સાથે મારપીટ કરવા લાગ્યા. આથી તેઓએ ભોમિયો બીજા માળે હોવાની વાત જણાવી દીધી. ચોરોએ ભોમિયાનું માથું ધડથી જુદું કરી નાંખ્યું. છતાંયે પોતાનું માથું હાથમાં રાખીને ભોમિયાનું ધડ ચોરો સાથે લડતું રહયું અને લડતા લડતા તે પોતાના ગામની સીમામાં પહોંચી ગયો. જયાં પહોંચતા તેણે પ્રાણ ત્યાગી દીધા અને તેનું ઘડ ઉડસર ગામમાં પડયું. જયાં ભોમિયાનું મંદિર બનાવવામાં આવ્યું છે. ભોમિયાના મૃત્યુથી દુ:ખી થયેલ તેની પત્નીએ ગામમાં શ્રાપ આપ્યો હતો કે, આજથી ગામમાં કોઇ પણ ઘરને બીજો માળ બનાવવામાં નહીં આવે. જો કોઇ બનાવશે તો તેની પર મુસીબત તૂટી પડશે. ત્યારબાદ ભોમિયાની પત્ની સતી થયાં હતા. આ ઘટનાને લગભગ ૭૦૦ વર્ષ વીતી ચૂકયા છે.પરંતુ કોઇપણ વ્યકિતએ શ્રાપના ડરથી પોતાના ઘરને બીજો માળ બનાવ્યો નથી. તેઓને ડર છે કે જો તેઓ બીજો માળ બનાવવાની કોશિશ કરશે તો તેમના પરિવાર પર મુસીબતો સર્જાશે.