ચોમાસા પછીના રનવેના સમારકામ અને જાળવણીના કામ માટે મુંબઈ એરપોર્ટ 18 ઓક્ટોબરે છ કલાક માટે બંધ રહેશે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) અનુસાર, રનવે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. રનવે 14/32 અને 09/27 પર સમારકામ અને જાળવણીનું કામ થશે. MIAL અનુસાર, તમામ એરલાઇન પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને, રનવે એજ લાઇટ્સ, રનવે 14/32 માટે AGL (એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટ્સ) અપગ્રેડ જેવા અન્ય મુખ્ય કામો કરવામાં આવશે.

જ્યારે એર ટ્રાફિક ઓછો હોય ત્યારે રનવે સામાન્ય રીતે બંધ હોય છે. MIAL અનુસાર, 18 ઓક્ટોબરે હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા અન્ય દિવસોની સરખામણીમાં ઓછી છે. MIALએ જણાવ્યું હતું કે રનવેની જાળવણી દર વર્ષે ચોમાસા પછી કરવામાં આવે છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ અને ઝીણવટભર્યા પ્રયાસો સાથે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો આ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાને કારણે રનવે પર નુકશાન થયું હોય છે આ રનવે પર સમારકામ કરીને જાણવણી કરવામાં આવતી હોય છે જેથી એરપોર્ટ પર આવતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટને કોઈ અડચણ ન આવે.