કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરિકો માટે મેટ્રો શરૂ થશે, રૂ.5થી લઈ 25 સુધીની ટિકિટ, વોશરૂમ-રેસ્ટરૂમ સહિતની સુવિધાઓ
અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ હેઠળ, મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તે લોકોની સેવા માટે તૈયાર છે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે. જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.