પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામે પી.એચ.સી. સબ સેન્ટર ન બનવાના કારણે આજુબાજુના દસથી વધુ ગામોની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોએ કુંડલ ગામે પીએચસી સબ સેન્ટરની માંગ કરી છે.
પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામમાં આરોગ્ય ની સુવિધા માટે પી.એચ.સી સેન્ટર ન હોવાથી આજુબાજુ ના ખાસ કરીને કુંડલ, લુણાજા, ઘાટા, મુઠાઈ, ચેથાપુર, આંબાખૂટ, વસંતગઢ, જેવા તમામ ગામોનાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને કોઈ બીમાર પડે તો સારવાર માટે ૨૦-૩૦ કિલોમીટર દૂર જવું પડે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તાર માંથી જિલ્લા મથક છોટાઉદેપુર અથવા તો તાલુકા મથક પાવીજેતપુર સુધી લાંબા થવું પડે છે. અને ખાનગી હોસ્પિટલની તગડી ફી ગરીબ પરીવાર ને પોસાય એમ ન હોવાથી આરોગ્ય સુવિધાની જરૂરિયાત સમયે ગરીબ લોકોની કફોડી હાલત થઈ જાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ પ્રશ્ન નું નિરાકરણ આવેલ નથી ત્યારે કુંડલ ગામનાં લોકોની હાલાકી દૂર કરવા રાજ્યમંત્રી નિમિષાબેન સુથારને પૂર્વ સરપંચ તથા ગામ લોકોએ કુંડલ ગામે પીએચસી સબ સેન્ટરની રજુઆત કરી છે.
આમ, પાવીજેતપુર તાલુકામાં કુંડલ ગામે પીએચસી સબ સેન્ટરની માંગ ઉગ્ર બની છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે કુંડલ ગામે સબ સેન્ટર શરૂ કરી જનતાની હાલાકીમાં ઘટાડો કરે તે જરૂરી થઈ જવા પામ્યું છે.