ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના નાગરિકો માટે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટ જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા છે. સિટી બ્યુટીફિકેશન લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે, વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
- રાજ્ય સરકારે જનહિત વિકાસ માટે ફાળવ્યા
- રાજ્ય સરકાર હસ્તકના તળાવો AMC વિકસાવશે
- AMCને લેક ડેવલોપમેન્ટ હેઠળ રાજ્ય સરકારે તળાવ ફાળવ્યા
- અમદાવાદ શહેરમાં કુલ 102 તળાવોનો વિકાસ થશે
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના ૩, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે.એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.