બોટાદમાં કેમિકલ કાંડ સર્જાયા બાદ હવે અન્ય એક ઘટનામાં અમદાવાદમાં કેમિકલ કાંડ કરવાના પ્રયાસની વાતો સામે આવતા ભારે ચકચાર મચી છે.
અમદાવાદ શહેરનાં દક્ષિણ અને પૂર્વ ઝોનને પાણી પૂરૂ પાડતાં રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ભેદી રીતે બંધ કરવામાં આવ્યો છે કેનાલમાં કેમિકલ છોડવામાં આવતા પ્લાન્ટ બંધ કરી દેવાયાની વાતો ઉછળી છે. આ ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

રાસ્કાનાં પ્લાન્ટને પાણી પૂરૂ પાડતી શેઢી બ્રાંચ કેનાલનાં પાણી અચાનક લીલા રંગનાં બની જતા રાસ્કા પ્લાન્ટને છ દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે, આ સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલવા માટે પ્રયાસ થઈ રહ્યાનો આક્ષેપ કરતાં મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિ.નાં જ સૂત્રોએ તેમને માહિતી આપી છે કે, શેઢી કેનાલનાં પાણીમાં કેમિકલ વેસ્ટ ઠલવાયુ હોય તેવી શક્યતા વધુ છે, પરંતુ શેઢી કેનાલમાં પાણીનો પ્રવાહ વધી ગયો હોવાથી કેમિકલ વેસ્ટ ડાઇલ્યુટ થઇ ગયુ હોઇ શકે છે.

બીજી તરફ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી) દ્વારા પાણીનાં નમૂના લીધા બાદ આ લીલ હોવાનો રિપોર્ટ આપી દીધો હોવાનુ કહેવાય છે. ત્યારે સવાલ એ ઉઠ્યા છે કે જો લીલ જ હોય તો રાસ્કા પ્લાન્ટને છ દિવસથી કેમ બંધ કરી દેવાની ફરજ કેમ પડી? છે અને તે ક્યારે ચાલુ થશે તે પણ નક્કી નથી તે જોતાં શેઢી બ્રાંચ કેનાલમાં કોઇ કેમિકલમાફીયા કેમિકલ વેસ્ટનુ ટેન્કર ઠાલવી ગયાં હોવાની શંકા મજબૂત બનતા સબંધિતો ફફડી ઉઠ્યા છે.