વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામના પાદરમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાની ફરિયાદ સાથે ગ્રામજનો અને સરપંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે અને પગલા લેવાની રજૂઆત કરી માંગણી કરી છે. અન્યથા આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી.આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ગ્રામજનો અને સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યુ છેકે, વસ્તડી ગામમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતીચોરી થાય છે. વારંવાર રજુઆતો કરવા છતાં પગલા લેવામાં આવતા નથી. રેતી ચોરીના લીધે નદીમાં રહેલા કૂવા, બોર અને પાઈપલાઈનને મોટાપાયે નુકશાન થાય છે. સરકારી તિજોરીને પણ કરોડોનું નુકશાન થઇ રહ્યું છે. આ રજૂઆતમાં એમપણ જણાવાયુ છેકે, રાજકીય વગ ધરાવતા અને માથાભારે શખ્સો દ્વારા રેતીચોરી અને ઓવરલોડ ડમ્પરોનું વહન થઇ રહ્યું છે.ગામના માણસો આવા લોકો સામે અવાજ ઉઠાવે તો ધમકીઓ મળે છે. ખાણખનીજ વિભાગ દ્વારા કયા કારણોસર આવા ભુમાફિયા તત્વોને છાવરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો તાત્કાલીક ધોરણે રેતીચોરીનુ દૂષણ બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.