વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ઠ પૂર્વ વિસ્તારના ડભોઇ રોડ સોમા તળાવ પાસેના ઇન્દ્રનગર, કૃષ્ણનગર અને ઘાંઘેરેટીયાના 17 હજાર લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. 

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને ઇલેક્શન વોર્ડ નંબર 16 માં સમાવિષ્ટ ઘાઘરેટીયા, કૃષ્ણનગર અને ઈન્દ્રનગર વસાહતમાં અંદાજે 17 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. નવાઈની વાત એ છે કે, આ વિસ્તારોમાં આજ દિન સુધી રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈનની સુવિધા નથી. ખૂલ્લી વરસાદી કાંસ ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાની સમાંતર થઈ જતા અકસ્માતની ઘટનાઓ પણ બને છે. આ ત્રણે વિસ્તારના લોકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

હાલમાં સમગ્ર શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ, કમળો જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરનો એવો એક પણ વિસ્તાર નથી. જ્યાં રોગચાળાએ ભરડો લીધો ન હોય, ત્યારે આ વિસ્તારમાં અસહ્ય ગંદકીના પગલે મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પરિણામે લોકો રોગચાળાની દહેશતના પગલે સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ઇમરજન્સી વાહનો વિસ્તારમાં અંદર જઈ શકતા નથી. પીવાનું પાણી દૂષિત મળતા સ્થાનિકોને પાણી ખરીદવા નો વખત આવ્યો છે. સ્કૂલે અભ્યાસ કરવા જતાં બાળકો રસ્તાની આસપાસમાં ભરાઇ રહેલા પાણીના કારણે એકલા જઇ શકતા નથી. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક રહીશો આ વિસ્તારમાં સુવિધા આપવા માંગણી કરી રહ્યા છે.

સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ ઓફિસ તેમજ કોર્પોરેશનના સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત પોતાના વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, લાઇટ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, દરેક જવાબદાર હોદ્દેદારો, કાઉન્સિલરો કોઇ કામગીરી કરતા નહિ હોવાનું લોકોનું કહેવું છે.