પદયાત્રીઓ દ્વારા ગામની વિવિધ જાહેર સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ લોકસંપર્ક દ્વારા ગાંધીવિચારનો પ્રસાર કરવામાં આવ્યો

પદયાત્રા ટીમ તારીખ ૧૯ થી ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન કુલ ૪ ગામડાઓની મુલાકાત લેશે

તારીખ ૧૯-૦૯-૨૦૨૨ સોમવારના રોજ ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ, દ્વારા આયોજિત ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો પ્રારંભ કપડવંજ તાલુકાના ભાઈલાકુઈ ગામથી થયો. જે અંતર્ગત ભાઇલાકૂઈ પ્રા. શાળામાં પદયાત્રા ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને સમગ્ર ગામમાં ફરીને લોકસંપર્ક દ્વારા ગાંધી વિચારનો પ્રસાર કરવાનો ઉમદા પ્રયત્ન કરવામા આવ્યો હતો. 

પદયાત્રીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરી તેમજ બેંક, પોસ્ટ ઓફિસ, સખી મંડળો, દૂધ ઉત્પાદક મંડળી જેવી ગ્રામ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી અને લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો. આ તમામ પ્રવૃતિઓમાં ભાઇલાકૂઈ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ પુર્વક જોડાયા હતા.

આ પ્રસંગે શાળાની પ્રાર્થના સભામાં પદયાત્રા ટીમના આગેવાન પ્રો. અતુલ પરમારે વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા સમજાવી વિવિધ જનહિતની સમસ્યાઓનું ગાંધી ચિંધ્યા માર્ગે નિવારણ લાવવા અપીલ કરી હતી. ઉપરાંત કપડવંજ કોલેજના પ્રોફેસર એલ.કે વણકર અને અમરીશ પાંડાએ ગ્રામ જીવનના મહત્વ વિશે વાત કરી. 

આ પ્રસંગે કપડવંજ કોલેજના પ્રો. એલ. પી. વણકર અને પ્રો.અમરીશ પાંડા, ભાઇલાકૂઈ ગામનાં સરપંચ ગંભીર સિંહ ગઢવી, પ્રાથમિક શાળાના આચાર્ય પર્વતસિંહ ઠાકોર, શિક્ષકો, માજી સરપંચ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

તારીખ ૧૯ થી ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ચાલનારી આ ગ્રામજીવન પદયાત્રીઓ કપડવંજ તાલુકાના ભાઇલાકૂઈ, હમીરપુરા, કેવડીયા અને રતનપુરા ગામની મુલાકાત લઈ લોકસંપર્ક દ્વારા ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કરશે.