ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ:T-20 વર્લ્ડ કપમાં નવા લૂકમાં જોવા મળશે 'મેન ઈન બ્લૂ', BCCIએ ટ્વીટ કરીને તસવીર શેર કરી

T-20માં ઈન્ડિયન વુમન્સ ટીમ પણ આ જ જર્સીમાં જોવા મળશે

16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરાઈ છે. છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની જર્સી નેવી બ્લૂ કલરમાં હતી. જો કે નવી જર્સીનો કલર લાઈટ બ્લૂ છે. ઉપરાંત ખભા ઉપર ડાર્ક બ્લૂ કલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે ટી-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો કલર પણ સ્કાય બ્લૂ જ રહેશે. BCCIએ ટ્વીટ કરીને નવી જર્સીની તસવીર શેર કરી હતી

ચાહકો પાસેથી સૂચનો માંગ્યા હતા
જર્સીના લોન્ચિંગ પહેલા MPL સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટની માહિતી આપી હતી. MPLએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરે ચાહકો પાસેથી સૂચનો માંગ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમની પસંદગીની જર્સી બનાવી શકે છે.

23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે રમશે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચ બાદ ટીમ ઈન્ડિયા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ગ્રુપ-1ની વિજેતા ટીમ સામે બીજી મેચ રમશે. આ મેચ 27 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.ત્યારબાદ ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સાથે ત્રીજી મેચ 30 ઓક્ટોબરે પર્થમાં રમાશે. આ સિવાય ભારત 2 નવેમ્બરે એડિલેડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે જ્યારે લીગ સ્ટેજની છેલ્લી મેચ ગ્રુપ-બીના ક્વોલિફિકેશન રાઉન્ડની વિનર ટીમ સાથે હશે.

T20 વર્લ્ડ કપ માટેની ઈન્ડિયન ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય પ્લેયર્સ- મોહમ્મદ શામી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહર