સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે. છેલ્લા થોડા દિવસોથી સતત પડી રહેલા વરસાદે વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં લાગી ગયા છે.છેલ્લા ઘણા દિવસોથી વરસી ગયેલા અવિરત વરસાદ બાદ હવે પાકને “તડકા'ની ખાસ જરૂર છે અને તડકો નીકળ્યા બાદ પાકને ફાયદો થાય તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી જતા ત્યાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના દર્શન ઘણા લાંબા દિવસો પછી થયા છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત થયા છે. વાડી - ખેતરોમાં વાવણી બાદ પાકની માવજત લેવાની ખાસ જરૂરીયાત હતી તેવા સમયે સતત વરસાદ વરસતા રહેતા પાકમાં નુકસાન થવાની ભીતી છે. અનેક જગ્યાએ વધુ વરસાદી પાણીના કારણે પાક નિષ્ફળ, પણ ગયો છે સિહોર શહેર કે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લેતા અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.