આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના સભા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ સભામાં ભાગ લઈ રહ્યા છે. રાજકોટના મનીષ નાગોરે કહ્યું કે, 'જો આપણી માંગણી પૂરી નહીં થાય, તો રાજકોટથી આગળ કોઈની ગાડી જવા નહીં દઈએ એટલી તાકાત ધરાવીએ છીએ'

સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું, ગુજરાત સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022 માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચરો તળાવો તેમના માન્યતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે પ્રજાજનોને ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે કે ઢોર રસ્તા ઉપર આવતા પશુઓથી અકસ્માત થાય છે તે અંગેનો ઢોર અંકુશ નિયંત્રણ બિલ છે જે ખરેખર તો ખુદ માલધારી સમાજ વારંવાર રજૂઆત કરે છે કે રોડ રસ્તા ઉપર પશુઓથી નિર્દોષ લોકોના અકસ્માત થાય છે તે વ્યાજબી નથી. કોર્પોરેશનવાળાની ઢોર પકડવાની કામગીરી યોગ્ય છે પરંતુ સરકાર બેધારી નીતિ રાખીને એક બાજુ માલધારીઓને પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ નિર્દોષ રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગાયો ડબ્બામાં પૂરવામાં આવે છે તે ગાયો નીતિ નિયમ મુજબ દંડ લઈને છોડવામાં આવતી નથી. જે ગાયો કોર્પોરેશનના ડબ્બામાં ભૂખે મોતને ભેટી રહી છે અને તેના નાનાં બચ્ચાં ગાયના દૂધ વગર ઘરે જ મૃત્યુ પામી રહ્યાં છે. ગુજરાત સરકારને ગાયો માટે દયા જેવું નથી.