ગુજરાતના અનેક સરકારી કર્મચારીઓ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે મંત્રણા કરી સરકારી કર્મચારીઓના યુનિયનના નેતાઓને વિશ્વાસમાં લીધા છતાં ગાંધીનગરમાં અન્ય કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત્ રહી છે. બીજી બાજુ, રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઊતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.