વડોદરામાં રહેતા જગદીશભાઇ ગંગવાનીએ જુના પાદરા રોડ ઉપર આવેલી લક્ઝુરીયસ કારના શો-રૂમમાંથી 9-9-2022ના રોજ રૂપિયા 24 લાખની કાર ખરીદી હતી. આ કાર ઘરે લઈ ગયા બાદ માત્ર નવ દિવસમાં કાર ખરાબ નીકળતા તેઓએ કાર કંપનીનો અને જુના પાદરા રોડ ઉપર આવેલા કારના શો-રૂમનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કંપની અને શો-રૂમ દ્વારા યોગ્ય જવાબ અને સહકાર ન મળતા અને આટલી મોટી રકમ ચૂકવી હોવાછતાં પણ જવાબદારો બેપરવાહ જણાતા તેઓએ આખરે કંપનીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ અને જાહેર માર્ગ ઉપર ઢોલ-નગારા સાથે કારને ગધેડાથી ખેંચાવી વિરોધ પ્રદર્શિત કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને શો-રૂમ બહાર વિરોધ પ્રદર્શન કરતા કાર કંપનીની ફજેતી થઈ હતી.
જોકે,કાર ખરીદનાર જગદીશભાઈ ગંગવાની ને જવાબ નહિ આપનાર શો રૂમ વાળાઓને પાઠ ભણાવવા કારને ગધેડા બાંધીને પ્રદર્શન કરતા દોડતા થઈ ગયેલા કાર બનાવતી કંપની અને કારના શોરૂમના સંચાલકો કાર ખરીદનાર જગદીશભાઇને આજીજી કરી ઘૂંટણીએ પડી ગયા હતા. કારનું પેમેન્ટ પરત કરવા માટેની તૈયારી બતાવતા મામલો થાળે પડ્યો હતો.