રાજકોટઃ મહાપાલિકા દ્વારા આગામી એપ્રિલ મહિનાના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તીગણતરીનો પ્રારંભ કરાશે. આ પ્રક્રિયાને પાર પાડવા તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે અને સંબંધિત સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવાઈ છે. વર્ષ 2011 બાદ ન થયેલી વસ્તીગણતરીમાં રાજકોટ શહેરના ભૌગોલિક વિસ્તારમાં વધારાના કારણે વસ્તીનો કુલ આંકડો 20 લાખને પણ વટાવી જવાની શક્યતા સેવાઈ રહી છે.

બે તબક્કામાં વસ્તીગણતરી

ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020માં વસ્તીગણતરી કરવાની હતી, પરંતુ કોરોનાના કારણે તે ન થઈ શકી. જો કે હાલમાં સરકાર દ્વારા વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે, જેને બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. પ્રથમ તબક્કો એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની યાદી તૈયાર કરાશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરાશે.

બીજા તબક્કામાં વસ્તીની વાસ્તવિક ગણતરી

હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે, જેમાં સત્તાવાર રીતે ‘પોપ્યુલેશન એન્યુમરેશન’ એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરાશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવાશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈનું મૃત્યુ થયું હોય તે તમામ માહિતી આવરી લેવાશે. અંતિમ તબક્કામાં ખૂબ જ ટૂંકા સમયમાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરાશે, જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે.

4000થી વધુ કર્મચારી મેદાને

આટલી વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4500 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે, પરંતુ માત્ર મનપાના સ્ટાફથી આ કામગીરી પૂર્ણ કરવી શક્ય ન હોવાથી કલેક્ટર મારફતે અન્ય સરકારી સંસ્થાઓની મદદ પણ લેવાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વિવિધ સરકારી બેન્કોના કર્મચારીઓને અને કલેક્ટર તંત્રના કર્મચારીઓને પણ આ ફરજમાં જોડાશે.

40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી

1981: 4.44 લાખ

1991: 5.50 લાખ

2001: 10.00 લાખ

2011: 13.46 લાખ