આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના ગરબાનું વેચાણ થતું હોય છે.જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મુકી તેની ઉપર કોડીયું રાખીને તેમાં ઘીનો દિવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. ભાવિકો ખુબ જ શ્રધ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ રહ્યું છે. જેમાં મોટાભાગના માઈ ભક્તો નવરાત્રી દરમ્યાન ઘટ સ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે.ત્યારે નવરાત્રી પૂર્વે લખતરના કુંભાર શેરીમાં રહેતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાના પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી 64 કલામાંથી એક માટીકામની કલાનું વારસાગત માટીકામની કામગીરી કરી રહ્યા છે. આ પરિવારે ઈકોફ્રેન્ડલી ગરબા, નાના છોકરાઓ નવરાત્રિમાં સાંજે લઈને ફરતા હોય તે ઘોઘા, કોડિયા બનાવવાની કામગીરી હાલમાં પુરજોરમાં શરૂ કરી દીધી છે. તો તેને રંગરોગાન પણ કરી નવું રૂપ આપવાનું ઘરકામની સાથોસાથ ઘોઘા તેમજ ગરબાને અવનવી ડિઝાઈન તેમજ રંગકામ કરી સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગરની જાગૃતિબેનની પુત્રી ભક્તિ મદદરૂપ થઈ રહી છે.