ટૂંક સમયમાં જ દેશવાસીઓને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન ચિત્તા જોવાની તક મળશે. નામિબિયામાં ચિત્તાઓ ભારત આવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તમામ આઠ આફ્રિકન ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે. એરલાઈન્સ કંપનીએ હાલમાં જ ટ્વીટ કરીને એરક્રાફ્ટની તસવીરો શેર કરી છે. આ ફ્લાઈટને ખાસ ફ્લેગ નંબર 118 આપવામાં આવ્યો છે. સાથે જ પ્લેનમાં ચિત્તાની આકર્ષક પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી છે.

 એરલાઈન કંપની પ્રથમ વખત ચિત્તાને દુનિયાના કોઈપણ દેશમાં શિફ્ટ કરવાનું કામ કરવા જઈ રહી છે. એરલાઇન કંપની માટે પણ આ ક્ષણ યાદગાર બની રહેવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે કુનો નેશનલ પાર્કમાં બનેલા એન્ક્લોઝરમાં ચિત્તાઓને મુક્ત કરીને દેશના પ્રથમ ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત કરશે. ચિત્તાઓને લેવા માટે પ્લેન નામીબિયા પહોંચ્યું છે, જેની પ્રથમ તસવીર નામીબિયામાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને શેર કરી છે.